ગુજરાતને રોકાણ ક્ષેત્રે અગ્રેસર રાખવા સીએમ ભુપેન્દ્ર પટેલે ભગીરથ પ્રયત્નો આદર્યા છે. આના જ ભાગરૂપે તેમણે નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો શુક્રવારે સવારે પ્રારંભ કર્યો છે. આમ જાન્યુઆરી 2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) ના પૂર્વાર્ધરૂપે તેમણે તૈયારીઓ આદરી દીધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર (Bhupendra Patel) પટેલ સાથે વન-ટુ-વન બેઠકના દિલ્હીમાં યોજાયેલા ઉપક્રમમાં ડી.સી.એમ. શ્રી રામ (DCM Shriram)ના ચેરમેન અને સિનિયર એમ.ડી. અજય શ્રીરામે મુલાકાત કરી હતી. તેમણે ગુજરાત (Gujarat)માં તેમની કંપનીના ફ્લોર આલ્કલી ઉત્પાદન એકમોની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.
એટલું જ નહીં, એનર્જી ફૂટપ્રિન્ટને સુધારવા માટે શ્રીરામ ગ્રુપે 50 મેગાવોટના કેપ્ટિવ વિન્ડ સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટમાંથી રિન્યુએબલ એનર્જી મેળવવા રિન્યુ પાવર સાથે ભાગીદારી કરી છે, તેની પણ જાણકારી આપી હતી.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત રિન્યુએબલ પોલિસી 2023 આ માટે અત્યંત ઉપયુક્ત બનશે એમ તેમણે જણાવ્યું હતું. મુખયમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને આગામી વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા પણ આમંત્રણ આપ્યું હતું.

