Uttarpradesh News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી (CM Yogi)આદિત્યનાથે કુશીનગર જિલ્લામાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને ફાઝિલનગરનું નામ બદલીને ‘પાવાગઢ’ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ ઉત્તર પ્રદેશમાં પણ હવે ‘પાવાગઢ’ નામની ઓળખ ઉભી થશે.
કુશીનગર ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, ફાઝિલનગર વિસ્તારનો ઐતિહાસિક અને ધાર્મિક સંબંધ ભગવાન મહાવીર સાથે જોડાયેલો છે. તેથી આ વિસ્તારને તેની મૂળ સાંસ્કૃતિક ઓળખ આપવાના હેતુથી તેનું નામ ‘પાવાગઢ’ રાખવાનો પ્રસ્તાવ રાજ્ય સરકાર દ્વારા આગળ ધપાવવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી યોગી (CM Yogi)એ જણાવ્યું કે, જ્યારે કોઈ વિસ્તારની ઓળખ મહાન આધ્યાત્મિક પરંપરા અને ઐતિહાસિક વારસા સાથે જોડાયેલી હોય, ત્યારે તે ઓળખને યોગ્ય સન્માન મળવું જોઈએ. તેમણે લોકોને પોતાના વારસા પર ગૌરવ અનુભવવાની અપીલ પણ કરી.

આ પ્રસંગે યોગી આદિત્યનાથે પૂર્વ સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉના સમયમાં માફિયાઓને પ્રોત્સાહન મળતું હતું અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નબળી હતી. હાલની સરકારના કાર્યકાળમાં વિકાસ અને સુરક્ષાના ક્ષેત્રે નોંધપાત્ર સુધારા થયા હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે દાવો કર્યો કે કુશીનગર જિલ્લામાં હજારો પરિવારોને પાકાં મકાનો, શૌચાલય, મફત રાશન અને આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો છે. સાથે જ રાજ્યમાં ઇન્સેફેલાઇટિસ જેવી ગંભીર બીમારી સામે પણ અસરકારક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હોવાનું જણાવ્યું.
મુખ્યમંત્રી યોગી (CM Yogi)એ પોતાના સંબોધનમાં કહ્યું કે, રાજ્યમાંથી ‘માફિયા અને મચ્છર’ બંનેનો સફાયો કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, માફિયાઓ બેરોજગારી અને અપરાધ વધારતા હતા, જ્યારે મચ્છરો ગંભીર બીમારીઓ ફેલાવતા હતા.
અયોધ્યાના રામ મંદિરનો ઉલ્લેખ કરતા યોગીએ કહ્યું કે, લાંબા સંઘર્ષ બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ ભાજપની ડબલ એન્જિન સરકાર દરમિયાન શક્ય બન્યું છે.
ફાઝિલનગરનું નામ ‘પાવાગઢ’ રાખવાની જાહેરાત બાદ આ નિર્ણયને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. હવે રાજ્ય સરકારના પ્રસ્તાવ પર આગળની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા નામને સત્તાવાર માન્યતા મળશે.
