આપણા રાજકારણીઓ એટલા બધા ઉત્સાહી હોય છે કે ભીડ જાેઈને અતિ ઉત્સાહમાં આવી જાય છે. વડાપ્રધાન મોદી હોય, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય કે પછી પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ પ્રીયંકા ગાંધી કે રાહુલ ગાંધી હોય તેમાંથી કોઈ બાકાત નથી આ આગેવાનો ભીડ જાેઈને ઉત્સાહમાં આવી જાય છે અને પછી પોતાનું વર્ચસ્વ પુનઃ સ્થાપિત કરી દીધું હોવાનો દાવો કરતા થઈ જાય છે. આમ એક જાેરદાર બાબત કહી શકાય. રાજકીય પક્ષોને રાજકારણમાં ટકી રહેવા માટે પોતાનામાં તો ઠીક પણ પોતાના કાર્યકરોમાં પણ ઉત્સાહ હોવો જરૂરી છે. તાજેતરમાં હજી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી ત્યાં શક્તિ પ્રદર્શનનો યુગ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ તો વારંવાર સરકારી કાર્યક્રમો અને ત્યારબાદ રેલીઓ યોજીને ભારે ભીડ એકઠી કરીને અને વિપક્ષો પર પ્રહારો કરતાં ગરમા ગરમ ભાષણો ઠપકારીને ચૂંટણીનો શંખનાદ પણ કરી રહ્યા છે. સમાજવાદી પક્ષના અખીલેશ યાદવ પણ અનેક સભાઓને સંબોધી ચૂક્યા છે. લાલ ટોપીવાળા આ નેતાની સભાઓ પણ ભારે ભીડવાળી થાય છે. જ્યારે તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ સદસ્ય રાહુલ ગાંધી અને મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ગાંધી પરિવારના પરંપરાગત મત વિસ્તાર અમેઠીની મુલાકાત લીધી હતી. તેમાં ભારે ભીડ ઉમટી હતી અને આ બન્ને કોંગ્રેસી નેતાોએ આક્રમક પ્રવચન કર્યા હતા.

૨૦૧૯ની ચૂંટણીમાં રાહુલ ગાંધીનો પ્રથમ વખત પરાજય થયા બાદની આ પ્રથમ સભા હતી. જેમાં કોંગ્રેસી આગેવાનોની આ સભામાં ઉમટેલી ભીડના કારણે પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહનો સંચાર થયો છે. અમેઠીની આ સભામાં થયેલી ભીડની યોગી અને કેન્દ્રના ગુપ્ચતર બ્યુરોએ પણ નોંધ લીધી છે. અને તેનો અહેવાલ પણ પહોંચતો કરી દીધો છે. આ અહેવાલ પણ કહે છે કે આ કાર્યક્રમમાં ભારે ભીડ હતી. ભાજપના વર્તુળો પણ આ ભીડ અંગે સ્વીકારે છે કે આમાં સંખ્યા ઘણી મોટી હતી.

રાહુલ ગાંધી સામે ચૂંટણી જીતેલા કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની પણ ભીડ મોટી હોવાનું સ્વીકારે છે. પરંતુ સાથો સાથ એમ પણ કહે છે કે સાડી અને ધાબળાની લાલચ આપીને આ ભીડ એકઠી કરવામાં આવી હતી. આ અંગેનો એક વિડિયો પણ સ્મૃતિ ઈરાનીએ વાઈરલ કર્યો છે. જાે કે ગમે તે રીતે ભીડ એકઠી થઈ હોય પણ આ ભીડ એ ભીડ જ હતી તે વાતનો તો ભાજપના નેતાઓએ સ્વીકાર કર્યો આજ મોટી વાત છે. આ ભીડ બાદ અમેઠીના રાહુલના ટેકેદારો પણ એવો દાવો કરતા થઈ ગયા છે કે ૨૦૨૪માં રાહુલ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડશે અને જીતશે જાે કે કોઈપણ પક્ષ માટે દાવો કરવાનો એક યા બીજા પક્ષનો અબાધિત અધિકાર છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી.

પરંતુ ભીડ જેટલા મત મળે તેવી આશા રાખવી પણ વધારે પડતી છે. ભૂતકાળમાં તો મોટી ભીડ એકત્ર કરનારા નેતાઓ પોતે ચૂંટમી હાર્યા છે. તેમાં કોઈ નવી વાત નથી. પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર અને તત્કાલીન કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો વિધાનસભાની ચૂંટણી લડતા હતા અને તેમના મત વિસ્તારમાં ભીડ જાેઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એવી ટકોર કરી હતી કે આવી ભીડ મેં પશ્ચિમ બંગાળમાં પહેલી વખત જાેઈ છે. હવે તો મને વિશ્વાસ થઈ ગયો છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને ૨૦૦ કરતા વધુ બેઠકો મળશે એવી મારી શ્રધ્ધા દ્રઢ બની છે. પરંતુ પરિણામ જાહેર થતા ૨૦૧૯માં એક લાખ કરતા વધુ મતે લોકસભાની ચૂંટણી જીતનાર બાબુલ સુપ્રિયો પોતાની વિધાનસભાની ચૂંટણી ૫૦ હજાર કરતા વધુ મતે હાર્યા ટીએમસીને ૨૧૩ બેઠકો મળી અને ભાજપને માત્ર ૭૫ બેઠકો મલી અને અમારી બેઠકોની સંખ્યા ૧૫ ગણી વધી છે એમ કહીને સંતોષ માનવો પડ્યો અત્યારે બાબુલ સુપ્રિયો પોતે ભાજપ સાથે છેડો ફાડી ટીએમસીમાં ઘરવાપસી કરી ચૂક્યા છે.

૧૯૮૫માં ગ્વાલિયરની ભાજપની સભામાં ભારે ભીડ હતી તોય અટલ બિહારી વાજપાઈ જેવા મજબૂત નેતા હાર્યા હતા. જ્યારે ૨૦૧૪માં ભારે ભીડ એકઠી કરનારા અનેક કોંગ્રેસ નેતાઓ પણ ઘરભેગા થઈ ગયા હતા. આ એક વાસ્તવિકતાનું ચિત્ર છે. ભારે ભીડવાળી સભાવાળા વિસ્તારના ઉમેદવાર ચૂંટણી જંગ જીતી જશે તેવું માની લેવાને કોઈ કારણ નથી. ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો બન્યા છે અને અત્યારે પણ બની રહ્યા છે. તેમાં ભીડ જાેઈને હરખાતા કે વધુ પડતા હરખપદુડા બની જતા રાજકારણીઓને અંતે તો મતદારો તરફથી લપડાક જ મળતી હોવાના એક નહિ પણ અનેક દાખલા બન્યા છે. એક ચૂંટણી વિશેષજ્ઞના અંદાજ અનુસાર ભીડના કારણે જીતનારા ઉમેદવારોની સંખ્યા માત્ર ૧૨ કે ૧૪ ટકા છે જ્યારે ભારે ભીડવાળી એક નહિ પણ અનેક સભાઓ વાળા વિસ્તારના ઉમેદવારોને ભારે લપડાક પડી હોવાના એક નહીં અનેક નહિ પણ ૮૬ થી ૮૮ ટકા કિસ્સાઓ રાજકારણીમાં નોંધાયા છે તે હકિકતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.
સભામાં ભીડ એ ચૂંટણની જીતનો માપદંડ પહેલા પણ નહોતો અને આજે પણ નથી આ વાત સૌએ સમજી લેવાની જરૂરત છે.
