ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સનને કારણ બતાવો નોટિસ મોકલી છે. વાસ્તવમાં, 27 ફેબ્રુઆરીએ એર ઈન્ડિયાની દુબઈ-દિલ્હી ફ્લાઈટ દરમિયાન, પાઈલટની મહિલા મિત્ર દ્વારા કોકપિટમાં આવવા અને તેના વિશે સમયસર માહિતી ન આપવાના મામલામાં કંપનીના સીઈઓને નેટિસ મોકલવામાં આવી છે.
તેમણે કહ્યું કે ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાના સેફ્ટી, સિક્યુરિટી અને ક્વોલિટી ઓપરેશન્સના ચીફ હેનરી ડોનોહોને પણ કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે. ફ્લાઇટના એક ક્રૂ મેમ્બરે DGCAને ફરિયાદ કરી હતી કે પાઇલટે તેની મહિલા મિત્રને કોકપિટમાં જવા દીધી હતી.ડીજીસીએના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે ઘટનાની સમયસર જાણ ન કરવા બદલ એર ઈન્ડિયાના સીઈઓ અને ફ્લાઈટ સેફ્ટીના વડાને 21 એપ્રિલે જ કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી. ફ્લાઇટ દરમિયાન સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કેસની તપાસમાં પણ વિલંબ થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. બંને અધિકારીઓને નોટિસનો જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. હાલમાં એર ઈન્ડિયા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, “આ ઘટના 27 ફેબ્રુઆરીએ બની હતી અને કેમ્પબેલ અને ડોનોહોને 3 માર્ચે તેની જાણ કરવામાં આવી હતી. ડીજીસીએએ 21 એપ્રિલે પ્રથમ તપાસ કરી હતી, જ્યારે એર ઈન્ડિયાએ તે પહેલા આવી કોઈ તપાસ કરી ન હતી.
આ મહિનાની શરૂઆતમાં, DCEA એ એર ઈન્ડિયાને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ ક્રૂ સભ્યોને ફરજ (રોસ્ટર)માંથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. એરલાઈને 21 એપ્રિલે કહ્યું હતું કે તેણે કથિત ઘટનાને ગંભીરતાથી લીધી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. અનધિકૃત લોકોને કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી નથી અને જ્યારે આવું થાય ત્યારે તે નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
