Corona: આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતા-પુત્રીએ કોરોના સંક્રમણના ડરથી છેલ્લા અઢી વર્ષથી પોતાને ઘરના એક નાના રૂમમાં બંધ કરી દીધા હતા. આ દરમિયાન તે ન તો કોઈને મળ્યા અને ન તો સૂર્ય પ્રકાશ જોયો. આ મામલો જિલ્લાના કાજલુરુ મંડલના કુયેરુ ગામનો છે. અહીં એક 44 વર્ષની મહિલા અને તેની 21 વર્ષની પુત્રીએ કોરોના સંક્રમણના ડરથી પોતાને ઘરના એક નાના રૂમમાં બંધ કરી દીધા હતા.
કોરોના થવાના ડરથી બંનેએ છેલ્લા અઢી વર્ષથી પોતાને એક રૂમમાં બંધ કરી દીધા હતા. છેલ્લા અઢી વર્ષથી તે ન તો કોઈ બહારના વ્યક્તિને મળ્યા કે ન તો સૂર્યપ્રકાશ જોયો. મહિલાના પતિએ કહ્યું કે આ બધું કોરોના રોગચાળાના શરૂઆતના દિવસોમાં મહિલાઓને માસ્ક પહેરવા અને ઘરની અંદર રહેવા માટે કહેવાથી શરૂ થયું હતું. તેણે કહ્યું કે કોવિડને કારણે થયેલા મૃત્યુ વિશે સાંભળીને બંનેએ પોતાને રૂમમાં બંધ કરી લીધા હતા.
મહિલાએ તેના પતિ સૂરી બાબુને મળવાની પણ ના પાડી દીધી હતી. તે બહારથી રાશન, શાકભાજી વગેરે લાવતા તે રાંધતા, જમતા અને રૂમની અંદર જ રહેતા, રાત્રે જ્યારે મહોલ્લાના બધા લોકો સૂઈ જતા, ત્યારે જ તે નહાતા. જ્યારે આજુબાજુના લોકોમાંથી કોઈએ પોલીસ અને મીડિયાને આ સમાચાર પહોંચાડ્યા. આ પછી પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળીને રૂમનો દરવાજો તોડી અંદર ગયા હતા અને રૂમનો દરવાજો ખોલતાની સાથે જ રૂમની હાલત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઓરડામાં બધું અસ્તવ્યસ્ત હતું અને માતા અને પુત્રી બંને ધાબળામાં સંતાઈ રહ્યાં હતાં. કલાકોની જહેમત બાદ બંનેને રૂમમાંથી બહાર આવવા સમજાવી શકાયા. આ પછી, બંનેને કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરે બંનેની માનસિક અને શારીરિક સ્થિતિ પણ તપાસી. જેમાં ડોક્ટરોનું કહેવું છે કે બંને શારીરિક રીતે સ્થિર છે પરંતુ તેમની માનસિક સ્થિતિ સમજવા માટે તેમને મનોચિકિત્સકની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
