લીંબડી તાલુકાના શિયાણી ગામની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં લાલુભા મોરી સહિત ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું. આ અંગે લાલુભા મોરીએ તેમના ખેતર ઉપરથી પસાર થતી નર્મદા કેનાલનું બાંધકામ કરવામાં આવ્યું નથી. માટી અને મોરમ નાંખીને વર્ષોથી ધક્કા મારી રહ્યા છે. 2 વર્ષમાં ત્રીજીવાર કેનાલ તૂટતાં પાકને નુકસાન, જમીન ઘોવાણ થયું છે. નર્મદાના બી.સી.પટેલ સહિત અધિકારીઓ કેનાલ રિપેર કરવા આવતાં નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો.
સામે પક્ષે નર્મદાના અધિકારી પટેલે ખેડૂતો પર જ દોષનો ટોપલો ઢોળી દઈ કોઈ વ્યક્તિ જાણી જોઈને કેનાલ તોડી નાંખે છે. ગામના લોકો બધું જાણવા છતાં કેનાલ તોડનારનું નામ આપતું નથી. કેનાલ તોડનારનું નામ મળે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
શિયાણીના ખેડૂતો અને નર્મદાના અધિકારી વચ્ચેના વિવાદ અને કલેશને કારણે તૂટેલી કેનાલનું રિપેરકામ હાથ નહીં ધરાતાં નટવરગઢ, લક્ષ્મીસર અને જાંબુ ગામની કેનાલમાં પાણી બંધ થઈ ગયું છે. ઘંઉ, જીરું સહિત રવીપાકનું વાવેતર કરી બેઠેલા ત્રણેય ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ટૂંક સમયમાં કેનાલ રિપર કરવામાં નહીં આવે તો રવીપાક બળી જવાનો ભય ઉભો થયો છે.
આ અંગે ફોન રિસીવ નહીં કરનાર બી.સી.પટેલના ઉપરી અધિકારી કાર્યપાલક ઈજનેર સી.એ.હરિયાણીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે જે જગ્યાએ ગાબડું પડયું છે ત્યાં ખેડૂતો પાક્કું કામ કરવા દેતાં નથી. જમીન સંપાદન થઈ ગઈ હોવા છતાંય એક-બે ખેડૂતો ઘર્ષણ ઊભું કરી બાંધકામ કરવા દેતાં નથી. અમે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા જઈએ ત્યારે પણ તેઓ કોઈને કોઈ વિવાદ ઉભો કરે છે. જેના કારણે પાછળના ગામના ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે. ટૂંક સમયમાં આ વાતનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
