પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ રેતી ખનન કેસમાં સીએમ ચન્નીના ભત્રીજા ભૂપેન્દ્ર સિંહ હનીની ધરપકડ કરી છે. હનીને ગઈ કાલે EDએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ED આજે બપોરે 12 વાગ્યે હનીને જલંધર કોર્ટમાં રજૂ કરશે.
પંજાબમાં EDની ટીમ દ્વારા ગેરકાયદે રેતી ખનન અંગે પાડવામાં આવેલા દરોડામાં 10 કરોડ રૂપિયાથી વધુ રોકડ, 21 લાખનું સોનું અને 12 લાખ રૂપિયાની રોલેક્સ ઘડિયાળ મળી આવી હતી. આ સાથે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જપ્ત કરવામાં આવેલી મોટાભાગની રોકડ ભૂપેન્દ્ર સિંહ હનીના ઠેકાણાથી મળી આવી છે. આ રકમ લગભગ સાતથી આઠ કરોડ રૂપિયા છે.
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન ઉપેન્દ્ર સિંહ ઉર્ફે હની તેના મોહાલીના ઘરે હાજર હતા. જ્યારે EDના તપાસ અધિકારીઓએ તેમની પાસેથી રિકવર કરાયેલા કરોડો રૂપિયા વિશે પૂછપરછ કરી ત્યારે ન તો તે પોતે કોઈ બેંક સ્લિપ બતાવી શક્યા ન તો તે કહી શક્યા કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. EDએ આ કેસમાં હની અને તેની કંપનીના અન્ય બે ડિરેક્ટરોની પૂછપરછ કરી હતી.
ED સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રેતી ખનન કેસના મુખ્ય આરોપી કુદરતદીપ સિંહ અને ભૂપિંદર સિંહ હની અન્ય વ્યક્તિ સંદીપ સાથે પ્રોવાઈડર્સ ઓવરસીઝ કંપનીમાં ડિરેક્ટર છે. આ કંપનીની રચના તે જ વર્ષે 25 ઓક્ટોબર 2018ના રોજ કરવામાં આવી હતી, જ્યારે પંજાબ પોલીસે ગેરકાયદે માઈનિંગ કેસમાં એફઆઈઆર નોંધી હતી. આ કંપની પાસે માત્ર 60 હજાર રૂપિયાની પેડ-અપ મૂડી હતી અને કુલ અધિકૃત રકમ 5 લાખ રૂપિયા હતી. EDને આશંકા છે કે આ કંપની દ્વારા કાળા નાણાને સફેદમાં પણ ફેરવવામાં આવ્યું છે. EDએ હનીને આ કંપની સાથે સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કરવા પણ કહ્યું હતું.પંજાબમાં 20 ફેબ્રુઆરીએ 117 સીટો પર મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વિપક્ષ હવે આ મુદ્દે કોંગ્રેસ પર વધુ આકરા પ્રહારો કરશે.
