મુંબઈ
ગુલશન કુમારની આત્મકથારૂપ ફિલ્મ “મુગલ”માં રણબીર કપૂરને લીડ રોલ મળ્યાના સમાચર પછી હવે અન્ય એક અભિનેતાનું નામ સામે આવી રહ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને પણ ફિલ્મ ઓફર કરવામાં આવી છે. ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર અને આમિર ખાનના પ્રોડકશનમાં બનાવવામાં આવેલી ફિલ્મમાં પ્રથમ અક્ષય કુમારને કાસ્ટ કરવામાં આવ્યા હતા.
એવા અહેવાલો છે કે ફિલ્મની શૂટિંગ આગામી વર્ષમાં શરૂ થશે અને તે ક્રિસમસ 2019 સુધી રિલિઝ કરવામાં આવશે. શરૂઆતમાં, અક્ષયને ફિલ્મ માટે ઓફર કરવામાં આવી હતી પરંતુ અનેક કારણોસર તે આ પ્રોજેક્ટથી અલગ થયા હતા. ત્યારબાદ રણબીરને આ ફિલ્મમાં લેવામાં આવશે તેવી માહિતી વચ્ચે હવે જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ માટે સુશાંત સિંહનું નામ સામે આવી રહ્યું છે, જોવા નું એ છે કે, મેકર્સ કોને ફિલ્મ માટે ફાઈનલ કરે છે.
આપને જણાવી દઈએ કે,સુશાંત સિંહ રાજપૂત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક “એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી”માં કામ કર્યું છે અને તે બોક્સ ઓફિસ પર સફળ રહી છે. રણબીર કપૂર પણ સંજય દત્તની આત્મકથારૂપ ફિલ્મ “સંજુ”માં કામ કરી ચૂક્યા છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ બની છે. ફિલ્મમાં લીડ રોલ કોને મેળવશે તે જોવાનું રહ્યું.
ફિલ્મ ગુલશન કુમારની બાયોપિક છે અને તેના જીવનમાં તમામ ઉતર-ચડાવ દર્શાવશે. એવો આરોપ છે કે ડી-કંપનીના કાર્યકર્તાઓએ ગુલશન કુમારને મારી નાખ્યો હતો. હત્યાના પગલે બોલિવૂડ અને મુંબઇ અંડરવર્લ્ડ વચ્ચેનો સંબંધ ખુલ્લો પડ્યો હતો. ફિલ્મમાં બોલિવૂડના કાળા સત્યને પ્રકાશિત કરવામાં આવશે કે નહીં તે જોવાનું પણ રસપ્રદ રહેશે.
