મુંબઇ,
હિન્દી સિનેમામાં રામસે બ્રધર્સના નામથી જાણીતા ફિલ્મમેકર્સમાંથી એક તુલસી રામસે આજે સવારે તેમના છેલ્લા શ્વાસ લીધા. બોલિવૂડમાં 80ના દાયકામાં બનેલી ઘણી બધી હોરર ફિલ્મ તુલસી રામસેએ બનાવી હતી.તુલસી રામસે 80 અને 90 ના દાયકામાં ‘હોટલ’, ‘પુરાના મંદિર’, ‘તહખાના’, ‘વીરાના’, ‘બંધ દરવાજા’ જેવી ઘણી કલ્ટ ફિલ્મ્સ બનાવી. જો કે, તેમના નિધનનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
આપને જણાવી દઈએ કે રામસે તરીકે જાણીતા રામ સિંઘાનિયાના સાત ભાઈ છે અને બધા હિન્દી સિનેમાથી જોડાયેલા છે. તુલસી રામસે 75 વર્ષના હતા અને વર્ષ2006 માં તેમણે ફિલ્મ ‘આત્મા’ ને પ્રોડ્યુસ કરી હતી. જો કે એ પછી તેમણે ઓછી ફિલ્મો બનાવી હતી પરંતું 1993માં તેમણે મશહૂર હોરર ટીવી શો ‘ઝી હોરર શો’ પણ દિગ્દર્શિત કર્યો હતો.
એક નાના બિઝનેસથી કરિયર શરૂ કરનાર રામસેએ પાછળથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝુકાવ્યું હતું.મેક અપ અને હોરર સીન ક્રીએટ કરવાનો રામસેનો અંદાજ અલગ હતો.હોરર માસ્ક અને ડરાવની હવેલીઓ અને હોરર મેકઅપથી રામસેએ અનેક પ્રેક્ષકોને થિયેટરમાં ડરાવ્યા હતા.
તુલસી રામસેના અવસાન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હોરર ફિલ્મોનો જનક ગુમાવ્યો છે.
