Surat News/ સુરતના પાંડેસરામાં નકલી ડોક્ટર ઝડપાયા, 10 નકલી ડોક્ટરો અને બોગસ ડિગ્રી આપનારા 3 શખ્સોની ધરપકડ

પોલીસે પાંડેસરામાં શ્રેયાન ક્લિનીક અને કૈલાશ ચોકડી પાસે ક્લિનીક ધરાવતા ડોક્ટરોને ઝડપી લીધા હતા

Top Stories Gujarat Surat

Surat News : સુરતના પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર બનીને લોકોની જીંદગી સાથે ચેડા કરનારા 10 બોગસ ડોકટરો અને તેમને નકલી ડિગ્રી આપનારા ત્રણ શખ્સોની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરત શહેર વિસ્તારમાં નકલી ડોક્ટરો અને બનાવટી ડિગ્રી ને આધારે ક્લિનીક ચલાવતા નકલી ડોક્ટરો સામે કાર્યવાહી કરવા પોલીસને સુચના આપી હતી. જેને આધારે પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.

જેને આધારે પોલીસે પાંડેસરામાં શ્રેયાન ક્લિનીક અને કૈલાશ ચોકડી પાસે ક્લિનીક ધરાવતા ડોક્ટરોને ઝડપી લીધા હતા. જેમાં શસીકાંત મીશ્રી મહંતો, , સિધ્ધાર્થ કે દેવનાથ, પાર્થ કેદેબનાથને ઝડપી લીધા હતા. તેમના ક્લિનીકમાંથી પોલીસે ઈલેકટ્રો હોમિયોપેથિક, એલોપેથિક દવાઓ, ઈંજેકશન, સિરપ તેમજ BEMSની ડિગ્રી વગેરે મળીને કુલ રૂ. 55,210 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમની પુછપરછમાં વિઠ્ઠલદાસ ગુજરાથી ગોપીપુરા ખાતે ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કોલેજ નામથી ઈલેકટ્રો હોમિયોપેથીનો કોર્ષ કરાવતો હોવાનું ઉપરાંત BEMSની ડિગ્રી સર્ટિફિકેટ માટે ફક્ત ધો.10 પાસ કરેલ લોકો પાસેથી રૂ.75,000 ફી લઈને બોર્ડ ઓફ ઈલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસીન અમદાવાદ ખાતેથી BEMSની ડ્િગ્રી સર્ટિફિકેટ અપાવતો હોવાનું બહાર આવ્યું હતું.

જેને આધારે પોલીસે રશેષ ગુજરાથીના સુરતના રાંદેર રોડ પરના ઘરે દરોડો પાડીને રજીસ્ટ્રેશન ફોર્મ, રજીસ્ટર, માર્કશીટ, BEMS ડિગ્રીનું એપ્લિકેશન ફોર્મ, ડો,બી.કે.રાવતનાએ આપેલ નોટીસ, હાઈકોર્ટના ઓર્ડર, આઈ કાર્ડ સાથેના 7 સર્ટિફિકેટ, સર્ટિફિકેટની ઝેરોક્ષ, રીન્યુઅલ ફોર્મ-8 વગેરે દસ્તાવેજો કબજે કર્યા હતા.પોલીસે રસેષ ગુજરાથીની પુછપરછ કરતા તેણે પોલીસને કહ્યું હતું કે તેણે 2002માં ગોપીપુરા કાજીના મેદાન પાસે ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટની અંડરમાં ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કોલેજની પણ સ્થાપના કરી હતી. તે સિવાય લોકો ઈલેક્ટ્રો હોમિયોપેથીનો ત્રણ વર્ષનો કોર્ષ કરવામાં રસ ધરાવતા નથીઅને તેઓ સતત નુકશાનીમાં ચાલતા હતા.

આથી તેણે અને ડો.બી.કે રાવતનાએ પૈસા કમાવવા માટે BEMS ના અભ્યાસ માટે કોઈપણ માણસને એડમિશન આપીને તેમની પાસેથી રૂ.75,000 ફી લઈને એક અઠવાડિયા પછી BEMS ડિગ્રી, માર્કશીટ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને આઈ કાર્ડ આપતા હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૈસા મળ્યા પછી માત્ર 10 દિવસમાં ડિગ્રી છાપી આપવામાં આવતી હતી. ડો. રસેશ ગુજરાતી આ લોકોને ગેરેન્ટી આપતા હતા કે, આ ડિગ્રીના આધારે તેઓ પ્રેક્સિટ કરી શકશે અને પોલીસ કે આરોગ્ય વિભાગ તેમને પરેશાન નહીં કરે. જો કોઇ પરેશાન કરે તો તેઓ આખી બાબત હલ કરી દેશે. તે લોકોને એ પણ સમજાવતા હતા કે, આ ડિગ્રી પછી તેઓ એલોપેથી, હોમિયોપેથી કે આયુર્વેદિક પ્રેક્ટિસ કરી શકે છે. તેઓ લોકોને બોર્ડના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પ્રિન્ટ કરીને આપતા હતા. જેના આધારે તેઓ ગુજરાતના કોઈપણ સ્થળે પ્રેક્ટિસ કરી શકતા હતા.

આરોપીઓ રજિસ્ટ્રેશનને માન્યતા આપતા હતા. જો રજિસ્ટ્રેશન એક વર્ષ માટે માન્ય હોય તો નવા રજિસ્ટ્રેશનના બહાને રૂપિયા 5,000થી 15,000 સુધી વસૂલતા હતા. જો કોઈ ડોક્ટર આ ફી નહીં ચૂકવે તો તેમને ધમકી આપવામાં આવતી હતી. ડો. રસેશ ગુજરાતી બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ આપીને મેળવેલા રૂપિયામાંથી 30 ટકા ડો. બીકે રાવતને આપતા હતા. બાકીના પૈસા પોતે રાખતા હતા. ઇરફાન અને શોભિતસિંહ જેવી વ્યક્તિઓ લોકોને ધમકાવવાનું અને રજિસ્ટ્રેશનની ફી વસૂલવાનું કામ કરતા હતા. જો કોઈ ડોક્ટર રિન્યૂ ન કરાવે તો તે પ્રેક્ટિસ કરી શકતો નહીં અને તેને પરેશાન કરવામાં આવતો હતો. જો ડોક્ટર ફી ન ચૂકવે તો ડો. બીકે રાવત દ્વારા નોટિસ મોકલવામાં આવતી હતી. આ નોટિસનો ડર બતાવીને ડોક્ટર પાસેથી ફી વસૂલવામાં આવતી હતી.તેઓએ એક કોર્સ બુકલેટ તૈયાર કરી હતી, પણ 1,200 લોકો તે શીખી શક્યા નહોતા. તેઓ ફક્ત પૈસા વસૂલવા માટે ડિગ્રી છાપતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ 2002થી ચાલતી હતી. જ્યાં બોગસ સર્ટિફિકેટ છાપીને પૈસા વસુલવામાં આવતા અને નકલી ડોક્ટર તૈયાર કરવામાં આવતા હતા.

પોલીસે પૂછપરછ કરી ત્યારે આ ત્રણેય બોગસ ડોક્ટરોએ ખુલાસો કર્યો હતો કે, તેઓએ આ ડિગ્રી ડો. રસેશ ગુજરાતી પાસેથી લીધી છે. આ રેકેટના માધ્યમથી અનેક લોકોને બોગસ ડિગ્રી આપી હતી, અને આ ડિગ્રીના આધારે ઘણા ડોક્ટરો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આ ડોક્ટરો પાસે ડિગ્રી તો બોગસ છે પરંતુ તેઓ એલોપેથી દવાઓનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરી રહ્યા છે.પોલીસે ડો. રસેશ ગુજરાતીના ઓફિસ પર દરોડા પાડ્યા અને અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આ ઓફિસ પાલનપુર વિસ્તારમાં આવેલી છે. અહીંથી 7 રજિસ્ટ્રેશન બુક, 15 રિન્યૂઅલ કાર્ડ અને ખાલી સર્ટિફિકેટ મળી આવ્યા જે પ્રિન્ટ કરવાના બાકી હતા. વિવિધ પ્રકારના બોગસ સર્ટિફિકેટની ઝેરોક્સ પણ મળી આવી હતી.

ડો. રસેશ ગુજરાતીએ કબૂલ્યું હતું કે, તે 1990ના દાયકામાં BHMSનો અભ્યાસ કર્યો હતો અને વિવિધ ટ્રસ્ટમાં પ્રવક્તા અને વાઈસ પ્રિન્સિપાલ તરીકે કામ કર્યું હતું. પરંતુ આમાં ખાસ નફો ન થતો હોવાથી તેણે ઇલેક્ટ્રો હોમિયોપેથી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે કોઈ નિયમો જાહેર ન થતાં તેણે આ ગોળચક્ર શરૂ કર્યું હતું.

ગુજરાતમાં 1,200 લોકોને બોગસ ડિગ્રી આપવા પાછળ ડો. રસેશ ગુજરાતીએ ડો. બીકે રાવત સાથે મળીને કામગીરી કરી હતી. પહેલાં કેટલાક યુવકોને ઇલેક્ટ્રો હોમિયોપેથીનો ત્રણ વર્ષના કોર્સ બે વર્ષમાં પૂર્ણ કરાવ્યો. આ કોર્સ હેઠળ દવાઓ કેવી રીતે આપવી અને કયા પ્રકારના ઉપચાર કરવાના તેની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ લોકોના સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે, લોકોને કોર્સ વિશે કંઈ જ જાણકારી નથી અને બોગસ ડિગ્રી મેળવીને એલોપેથી દવા આપી શકાય છે.ડો. રસેશ ગુજરાતીએ જણાવ્યું હતું કે, મેં કોઈપણ પ્રકારની ડિગ્રી આપી નથી.

જેણે પણ તમને જાણકારી આપી છે તેના જ પાસેથી જઈને પૂછો. હું માત્ર શીખવતો હતો. ડિગ્રી નથી આપતો. ગુજરાત હાઈકોર્ટના 2010ના ચૂકાદા મજુબ ઇલેક્ટ્રોપેથીનો પ્રચાર-પ્રસાર કરી શકાય છે. પ્રચાર-પ્રસાર અને સર્ટિફિકેટ આપી શકાય છે. આ ડિગ્રી નથી માત્ર સર્ટિફિકેટ છે.હદ તો ત્યારે થઈ જ્યારે જાણવા મળ્યું કે, જે 13 બોગસ ડોક્ટરોની પોલીસે ધરપકડ કરી તેમાંથી એક ડોક્ટર પહેલાં પણ પકડાયો હતો. બાળકની સારવાર કરનાર આ બોગસ ડોક્ટર સમિમ અન્સારી જે ભેસ્તાનનો રહેવાસી છે. તેની આ બીજીવાર ધરપકડ કરવામાં આવી છે. આ એ જ બોગસ ડોક્ટર છે જેના કારણે નિર્દોષ બાળકીનો જીવ ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ ડોક્ટર માત્ર દસ ધોરણ સુધી જ ભણ્યો છે અને આ બોગસ ડિગ્રી તેણે ડોક્ટર રસેશ ગુજરાતી પાસેથી મળવી હતી.

આ બોગસ ડોક્ટર સમિમ અન્સારીએ  કહ્યું હતું કે, બાળકીનું મોત સિવિલ હોસ્પિટલમાં થયું હતું. કોર્ટમાં કેસ ચાલે છે તે અને પીએસઆઇ આની તપાસ કરી રહ્યા છે. ડિગ્રી લીધી છે કે નહીં તે મેં જાણ્યું નથી. હું તો ફક્ત હાઈસ્કૂલ પાસ છું.ધરપકડ કરાયેલા આરોપીઓમાં ડો. રસેશ ગુજરાતી, ભૂપેન્દ્ર રાવત, ઇરફાન સૈયદ, રાકેશ પટેલ, આમીન ખાન, સમિમ અન્સારી, સૈયદ બસલમો. ઇસ્માઇલ શેખ, તબરીશ સૈયદ, રાહુલ રાઉત, શશીકાંત મહતો અને સિદ્ધાર્થ દેવનાથપાર્થ કલીપદનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલને કપિલ દેવના હસ્તે અંગદાન ક્ષેત્રે મળ્યો નામાંકિત FICCI એવોર્ડ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 160મું અંગદાન

આ પણ વાંચો: અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો,NOTTOદ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ