કોરોનાના લીધે રાજ્યની હાલત ભયંકર છે ત્યારે કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી મજબૂત રાખવી પડે તે માટે વિટામીન સી સહિતના ફળો ખાવાની તાતી જરૂર છે. કોરોનાના આ સમયમાં ડોક્ટર જે ફળના જ્યૂસ પીવાનું કે ફળ ખાવાનું કહે છે તે ફળના ભાવ બમણા થઈ ગયા છે. તેવામાં ગરીબ લોકો માટે આ ફળ ખાવા શક્ય નથી. આવા લોકો જે સિવિલમાં દાખલ છે તેમના માટે મોરબીના એક સેવાભાવી ઉદ્યોગપતિએ ઉમદા કામ કર્યું છે. સ્થાનિક બજારોમાં નાળિયેર 100 રૂપિયા આસપાસ, સંતરા, લીંબુ સહિતના ખાટા ફળ 200 રૂપિયા જેટલી કિંમતે વેંચાઈ રહ્યા છે ત્યારે આ ઉદ્યોગપતિએ અનોખું કામ કર્યું છે.
ફળોના આ ભાવ વધારાના કારણે ગરીબ લોકો તેને ખરીદવાનું વિચારી પણ શકતા નથી ત્યારે આવા પરિવાર માટે મોરબીના ઉદ્યોગપતિ અજય લોરીયાએ 35,000 નાળિયેર, 10 હજાર કિલો ફળ ખરીદ્યા છે. આ ફળનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કરવામાં આવશે.
મોરબી, વાંકાનેર અને માળીયાની સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને વિનામૂલ્યે આપવા માટે નાળિયેર આંધ્રપ્રદેશથી અને સંતરા નાગપુર તેમજ રાજકોટથી મંગાવવામાં આવ્યા છે. વેપારીઓ કોરોનાના લીધે ફળોના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. દર્દીઓને વિના મૂલ્ય ફલો મળી રહે તે હેતુથી આ સેવાભાવી કાર્ય કરવામાં આવ્યું છે.
