નવી દિલ્હીઃ ભારતના નેતૃત્વમાં નવી દિલ્હીમાં G20 સમિટની બેઠક યોજાઇ છે. G20 સમિટમાં પહેલી મોટી જાહેરાત થઈ ચૂકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારત મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોરની જાહેરાત કરી છે. જો બાઈડની આ જાહેરાત ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે જ્યારે ચીનને રાતા પાણીએ રોવાનો વારો આવશે. આ જાહેરાતને પાકિસ્તાન-ચીન મિત્રતાને મોટી લપડાક તરીકે જોવામાં આવી રહી છે.
ભારત, UAE, સાઉદી અરેબિયા, EU, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને અમેરિકા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના દ્વારા ભારત અને યુરોપ વચ્ચે વેપાર 40 ટકા સુધી વધી જશે. આ યોજનામાં ડેટા, રેલ, વીજળી અને હાઈડ્રોજન પાઈપલાઈનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત અને અમેરિકા એરવાર માટે ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં સાથે કામ કરી શકે છે, પરંતુ મધ્ય પૂર્વમાં આ શક્ય નહોતું. પરંતુ હવે ભારત અને અમેરિકાએ ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાતની સાથે મળીને I2U2 ફોરમ બનાવ્યું છે. પાકિસ્તાને અગાઉ ભારતના તમામ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં અડચણો ઉભી કરવાનું કામ કર્યું છે. ભારતને રોકવા માટે પ્રોજેક્ટ્સને ક્યારેય અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. પરંતુ હવે અમેરિકા સાથે જે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે તેમાં પાકિસ્તાનની જરૂર પડશે નહીં.
