Not Set/ ગોંડલનો પ્રજ્ઞાચક્ષુ યુવાન  મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર,મહિને 90 હજારની કમાણી 

માણસનું મનોબળ મજબૂત હોય તો કોઈ શારીરિક અવરોધો તેની પ્રગતિમાં બાધારૂપ બની શકતા નથી.આ વાત ગોંડલના પ્રજ્ઞાચક્ષુ યુવાન ભાર્ગવ વઘાસિયાએ સિદ્ધ કરી બતાવી છે.ભાર્ગવ 10 વર્ષનો થયો

Top Stories Gujarat

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

માણસનું મનોબળ મજબૂત હોય તો કોઈ શારીરિક અવરોધો તેની પ્રગતિમાં બાધારૂપ બની શકતા નથી.આ વાત ગોંડલના પ્રજ્ઞાચક્ષુ યુવાન ભાર્ગવ વઘાસિયાએ સિદ્ધ કરી બતાવી છે.ભાર્ગવ 10 વર્ષનો થયો ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી. ભારતભરના આંખના નિષ્ણાત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો નહોતો.દિવસે દિવસે દ્રષ્ટિ ઝાંખી થતી ગઈ અને ભાર્ગવ 10 માં ધોરણમાં આવ્યો ત્યારે સંપૂર્ણ દૃષ્ટિહીન થઈ ગયો.આજે ભાર્ગવ બેંગાલુરૂની મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત છે અને મહિને 90 હજારની કમાણી કરે છે.

ભાર્ગવનો પરિવાર મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગામનો વતની પિતા ગામમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતા.ભાર્ગવની દ્રષ્ટિ જતી રહી પણ હિંમત અકબંધ હતી.મેંદરડામાં જ અભ્યાસ આગળ ચાલ્યો અને 12 માં ધોરણમાં પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવ 99.71 PR સાથે સમગ્ર મેંદરડા કેન્દ્રમાં પ્રથમ આવ્યો. માતા – પિતા ને પ્રજ્ઞાચક્ષુ દીકરાની કારકિર્દી અને ભવિષ્યની વધુ ચિંતા હોય એ સ્વાભાવિક છે.પિતા હરસુખભાઈએ ભાર્ગવને કહ્યુ કે ‘આપણે આટ્સ રાખીને આગળનો અભ્યાસ કરીએ .’ ભાર્ગવે મક્કમતાથી કહ્યું,’ના પપ્પા,મને કમ્પ્યુટરના અભ્યાસમાં રસ છે મારે એ લાઈનમાં આગળ વધવું છે.’ પિતાને મનમાં થતું હતું કે પ્રજ્ઞાચક્ષુ દીકરો કમ્પ્યુટર કેવી રીતે શીખી શકે અને કામ કરી શકે ! પણ દીકરાની ઈચ્છા મુજબ જ ભણાવવો હતો એટલે પ્રજ્ઞાચક્ષુને કમ્પ્યુટરનો ડીગ્રી કોર્સ કરાવે એવી કોલેજની શોધ આદરી.

ગોંડલની એમ.બી.કોલેજમાં ચાલતા બી.સી.એ.ના કોર્સમાં એડમિશન આપીને પ્રજ્ઞાચક્ષુ ભાર્ગવને ભણાવવાની કોલેજના પ્રોફેસરોએ તૈયારી બતાવી એટલે ત્યાં એડમિશન લઈ લીધું.હરસુખભાઈ પોતાની નોકરીને કારણે મેંદરડામાં એકલા રહ્યા અને પત્ની રીટાબેનને ભાર્ગવ સાથે ગોંડલ મોકલી આપ્યા.રીટાબેન રોજ દીકરાને કોલેજ લેવા – મુકવા માટે જતા.બી.સી.એ.ના ત્રણ વર્ષના અભ્યાસ દરમ્યાન ભાર્ગવે કપ્યુટર સોફ્ટવેર તૈયાર કરવાની બાબતમાં માસ્ટરી મેળવી.દ્રષ્ટિહીન હોવા છતાં ભાર્ગવે તૈયાર કરેલી મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ જોઈ સૌ કોઈ પ્રભાવિત થતા. ભાર્ગવ કદાચ ગુજરાતનો પહેલો એવો છોકરો હતો જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સોફ્ટવેર એન્જિનિયર જેટલું જ્ઞાન ધરાવતો કપ્યુટર એક્સપર્ટ બન્યો.

બેંગલુરૂની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટેની ઓફર મળી.એ વખતે ભાર્ગવ એકલો બેંગલુરૂ જવા તૈયાર થયો.જે કંપનીમાં એને જોબ મળી તેમાં ભાર્ગવ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ કર્મચારી હતો.પોતાના અસાધારણ કામ દ્વારા એણે સાબિત કરી આપ્યું કે દૃષ્ટિહીન માણસ પણ કમ્યુટરનું બધું જ કામ કોઈપણ જાતની ભૂલ વગર કરી શકે છે.ભાર્ગવે બેંગલુરૂમાં પોતાની ટીમમાં બીજા 10 પ્રજ્ઞાચક્ષુ યુવાનોને સામેલ કર્યા જેમાં ગુજરાતના યુવાનોનો પણ સમાવેશ થાય છે.

બેંગલુરૂમાં ભાર્ગવ પેઇંગ ગેસ્ટ તરીકે એકલો જ રહે છે અને જ્યારે વતનમાં આવવાનું હોય ત્યારે એકલો જ આવે જાય છે.કંપનીમાંથી મળતો પગાર અને પોતાના બીજા વ્યક્તિગત કામ દ્વારા ભાર્ગવ મહિને 90 હજારથી પણ વધુ કમાઈ લે છે.માણસનું મનોબળ મજબૂત હોય તો કોઈ શારીરિક અવરોધો એની પ્રગતિમાં બાધારૂપ બની શકતા નથી. ભાર્ગવ વઘાસિયાને સફળ કારકિર્દી બદલ અભિનંદન અને એના પિતા હરસુખભાઈ તથા માતા રીટાબેનને દિકરામાં વિશ્વાસ રાખીને મજબૂત ટેકો આપી એની ક્ષમતાને ખીલવી છે.