GSRTC Recruitment 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નિગમ દ્વારા કુલ 8917 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં ડ્રાઇવર અને કંડક્ટર બંને પદોનો સમાવેશ થાય છે. ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 6 જૂનથી શરૂ થશે અને ઉમેદવારો 5 જુલાઈ સુધી અરજી કરી શકશે.
8917 જગ્યાઓ પર ભરતી
જાહેર કરાયેલી ભરતી મુજબ કંડક્ટરની 4318 અને ડ્રાઇવરની 4599 જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં રોજગારીની તક ઉપલબ્ધ થતાં યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર
નિયુક્ત થનારા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ સુધી દર મહિને ₹26,000 ફિક્સ વેતન આપવામાં આવશે. ત્યારબાદ સરકારના નિયમો મુજબ અન્ય લાભો અને પગારધોરણ લાગુ થશે.
કંડક્ટર માટે લાયકાત
કંડક્ટર પદ માટે ઉમેદવારે ધોરણ-12 પાસ કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત માન્ય કંડક્ટર લાયસન્સ અને બેજ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે.
ડ્રાઇવર માટે જરૂરી માપદંડ
ડ્રાઇવર પદ માટે ઉમેદવારે ધોરણ-12 પાસ હોવું આવશ્યક છે. ઉપરાંત હેવી વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ અને જરૂરી અનુભવ હોવો જોઈએ. પુરુષ ઉમેદવારો માટે ઓછામાં ઓછી 162 સેન્ટિમીટર અને મહિલા ઉમેદવારો માટે 158 સેન્ટિમીટર ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈમાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે.
મહિલા ઉમેદવારોને પણ તક
મહિલા ઉમેદવારો માટે પણ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તક આપવામાં આવી છે. હેવી વાહન ચલાવવાનો અનુભવ ધરાવતી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. જો અનુભવ ન હોય તો નિગમના તાલીમ કેન્દ્રમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાશે.
ધ્યાનમાં રાખવાની બાબતો
ઉમેદવારોએ OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી દરમિયાન ફોટોગ્રાફ અને સહી નિર્ધારિત માપ અને ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે. અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ અને અન્ય વિગતો પ્રમાણપત્ર મુજબ જ દાખલ કરવી જરૂરી રહેશે. ખોટી માહિતી આપવાના કિસ્સામાં અરજી રદ થઈ શકે છે.
વેબસાઇટ પર મળશે તમામ માહિતી
ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને અપડેટ્સ GSRTCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા દરમિયાન પોતાની મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી સક્રિય રાખવા સૂચના આપવામાં આવી છે.
