Not Set/ જી.કે હોસ્પિટલ ફરી વિવાદમાં, બેદરકારીને કારણે વૃદ્ધનુ મોત

ભુજ ફરી એકવાર ભુજની જી.કે હોસ્પિટલ વિવાદના વંટોળમાં સપડાઈ છે.  જી.કે. જનરલ હોસ્પિટલમાં બાળકોના થયેલા મૃત્યુનો મામલો ભીનો સંકેલાયા બાદ વધુ એક વૃદ્ધનુ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. પગમાં ફ્રેકચર હોવાથી છેલ્લા 14 દિવસથી દાખલ થયેલા દર્દીનું ઓપરેશન ન કરાતા અંતે મોત નિપજ્યું હતું. ત્યારે કોંગ્રેસ અગ્રણી […]

Top Stories Gujarat

ભુજ

ફરી એકવાર ભુજની જી.કે હોસ્પિટલ વિવાદના વંટોળમાં સપડાઈ છે.  જી.કે. જનરલ હોસ્પિટલમાં બાળકોના થયેલા મૃત્યુનો મામલો ભીનો સંકેલાયા બાદ વધુ એક વૃદ્ધનુ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.

પગમાં ફ્રેકચર હોવાથી છેલ્લા 14 દિવસથી દાખલ થયેલા દર્દીનું ઓપરેશન ન કરાતા અંતે મોત નિપજ્યું હતું. ત્યારે કોંગ્રેસ અગ્રણી રફીક મારાએ જી.કે. જનરલ હોસ્પિટલને કતલખાનુ ગણાવ્યું હતું.

જી.કે. જનરલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુ બાદ વૃદ્ધનું બેદરકારીથી મોત નિપજતા હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો. દર્દીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ કોંગ્રેસ આગેવાનો પણ હોસ્પિટલમાં દોડી જતા રાજકીય ગરમાવો આવી ગયો હતો.

કોંગ્રેસ લઘુમતી મોરચાના રફીક મારાએ જણાવ્યું હતું કે, દેવપર ગઢના ઈસ્માઈલભાઈ ઈશાભાઈ કુંભાર 14 દિવસ પહેલા પગમાં ફ્રેકચર થતાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમની પાસે બીપીએલમા કાર્ડ હતા, તેમ છતાં છેલ્લા 14 દિવસથી તેમના પગનું ઓપરેશન કરીને પ્લેટ બેસાડવામાં આવી ન હતી.

હોસ્પિટલ દ્વારા ઓપરેશન માટે 8 હજારની રકમ ભરપાઈ કરવા જણાવાયું હતું. ગરીબ પરિવાર પાસે નાણા ન હોવાથી ભરી શક્યા ન હતા. નાણા ન ભરવાથી દર્દીનું ઓપરેશન થયું ન હતું. ઓપરેશન ન થતા દર્દીનું મોત નિપજ્યુ હતુ.

આ અંગે મૃતકના પરિવારજનોએ તેમજ કોંગ્રેસ આગેવાનોએ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી અને હોસ્પિટલની બેદરકારીને કારણે દર્દીનું મોત થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ત્યારે મેનેજમેન્ટે જવાબમાં કહ્યું હતું કે, કાર્ડમાં પ્લેટની સારવાર આવતી નથી તેથી અમે તે રીતની સારવાર કરી શકતા નથી અને આ કિસ્સામાં હોસ્પિટલની કોઈ જ બેદરકારી ન હોવાનું મેનેજમેન્ટે રજૂઆત કર્તાઓને જણાવ્યું હતું.

રફીકે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જી. કે. જનરલ હોસ્પિટલ એક પ્રકારનું કતલખાનુ છે. અહીં દર્દીઓની કોઈ કાળજી લેવામાં આવતી નથી. જયારથી અદાણીને હોસ્પિટલ સોંપાઈ છે ત્યારે માત્ર કમાણી કરવા માટે હોસ્પિટલ ચલાવાઈ રહી છે. ગરીબ દર્દીઓને મફતમાં સારવાર આપવા માટે અદાણીનું મેનેજમેન્ટ અને સરકાર ખાડે ગઈ છે.