Gujarat News: ગુજરાતમાં ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન (Gujarat Industry Incentive) આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બુધવારે, 14 ઑક્ટોબરે ગાંધીનગરમાં યોજાયેલા ‘વન-ક્લિક ઇન્સેન્ટિવ ડિસ્ટ્રિબ્યુશન’ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના 14,853 ઉદ્યોગસાહસિકોના બેંક ખાતામાં કુલ રૂ.1,100.19 કરોડની સહાય સીધી ટ્રાન્સફર (1100 Crore Industrial Aid) કરી હતી. સરકારનો દાવો છે કે આ પહેલથી ઉદ્યોગોને પ્રોત્સાહક સહાય મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.
Gujarat Industry Incentive: બેંક લોનની શરત દૂર થતાં ઉદ્યોગકારોને ફાયદો
આ યોજનાની મહત્વપૂર્ણ બાબત એ છે કે ઇન્સેન્ટિવ મેળવવા માટે બેંક લોન લેવાની ફરજિયાત શરત દૂર કરવામાં આવી છે. એટલે કે, પોતાની મૂડીથી વ્યવસાય શરૂ કરનારા ઉદ્યોગસાહસિકો પણ પાત્રતા મુજબ પ્રોત્સાહક સહાય મેળવી શકશે. આ પગલાથી ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સહાય મેળવવાની તક વધવાની અપેક્ષા છે.
16 દસ્તાવેજોની પ્રક્રિયા ઘટાડી
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની વિકાસયાત્રામાં ઉદ્યોગકારો અને વેપારીઓનું યોગદાન મહત્ત્વનું છે. રાજ્ય સરકાર ઉદ્યોગો માટે સરળ, ઝડપી અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવા પ્રયાસ કરી રહી છે. નવી ઉદ્યોગ નીતિ હેઠળ ઇન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયામાં અગાઉ જરૂરી ગણાતા 16 જેટલા કાગળો અને દસ્તાવેજોની જરૂરિયાત ઘટાડવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ, આ ફેરફાર બાદ છેલ્લા છ મહિનામાં ફાઇલોનો નિકાલ કરવાની ઝડપ ત્રણ ગણી વધી છે.
MSME અને ટેક્સટાઇલ ક્ષેત્રને સૌથી વધુ સહાય
સિંગલ-ક્લિક પેમેન્ટ હેઠળ અલગ-અલગ ક્ષેત્રોને આ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી છે:
MSME ઉદ્યોગો: 11,052 લાભાર્થીઓને રૂ.444.03 કરોડ
ટેક્સટાઇલ ક્ષેત્ર: 3,591 લાભાર્થીઓને રૂ.290.42 કરોડ
મોટા ઉદ્યોગો: 196 લાભાર્થીઓને રૂ.360.89 કરોડ
અન્ય યોજનાઓ: 14 લાભાર્થીઓને રૂ.4.85 કરોડ
આ રીતે કુલ 14,853 લાભાર્થીઓને રૂ.1,100.19 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
GIDCના 407 પ્લોટ માટે 4,665 અરજીઓનો ઓનલાઇન ડ્રો
ઔદ્યોગિક જમીનની ફાળવણીમાં પારદર્શિતા જાળવવા ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા ઓનલાઇન લકી ડ્રો યોજાયો હતો. શેખપાટ, ખીરસરા-2 અને સાણંદ-2 ખાતે 3,000 ચોરસ મીટરથી ઓછા વિસ્તારના કુલ 407 ઔદ્યોગિક પ્લોટ માટે 4,665 અરજીઓનો ડ્રો કરવામાં આવ્યો હતો. આશરે 85 એકર વિસ્તારમાં આવેલા આ પ્લોટ MSME એકમો (MSME Gujarat) માટે ફાળવવામાં આવ્યા છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્લોટ ફાળવણીમાં ભલામણ કે લાગવગને બદલે પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવી છે. નવી ઉદ્યોગ નીતિ હેઠળ મોટા ઉદ્યોગો માટે 346થી વધુ અરજીઓ મળી છે, જેમાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવવા ઇચ્છતી કંપનીઓની 27 અરજીઓનો પણ સમાવેશ થાય છે.
યુવા ઉદ્યોગસાહસિકો અને મહિલા સ્ટાર્ટઅપ્સ પર ભાર
રાજ્ય સરકાર પ્રથમ પેઢીના યુવા ઉદ્યોગસાહસિકો અને મહિલા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને રોજગારીની નવી તકો ઊભી કરવા પર ધ્યાન આપી રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મહિલાઓને રોજગારી મળી રહે તેવા ઉદ્યોગોને વેગ આપવાની યોજના છે. આ પહેલનો હેતુ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારની તકો વધારવાનો છે.
‘સ્માર્ટ GIDC’ અને જાપાન-દક્ષિણ કોરિયાની મુલાકાતનું આયોજન
ઔદ્યોગિક વસાહતોમાં સુવિધાઓ સુધારવા માટે ‘સ્માર્ટ GIDC’ની વિભાવના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ, GIDCમાં માત્ર રસ્તાઓનું નિર્માણ જ નહીં, પરંતુ ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ અને સર્વિસ લાઇનનું સંયુક્ત આયોજન પણ જરૂરી બનશે. સ્વચ્છતા અને શ્રમિકો માટેની પ્રાથમિક સુવિધાઓને પણ અગ્રતા આપવામાં આવશે.
વધુમાં, નવી ટેક્નોલોજી અને વૈશ્વિક ભાગીદારીની તકો શોધવા રાજ્ય સરકારની એક ટીમ આગામી સમયમાં જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકોએ ઇન્સેન્ટિવ પ્રક્રિયાના સરળીકરણ અને નવી ઉદ્યોગ નીતિ હેઠળ મળતા લાભો અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો: દેશમાં પરમાણુ ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરતી ગુજરાતની MSME વિવિધ હાય-ફેબ પ્રાઇવેટ લિમિટેડ
આ પણ વાંચો: વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026, સુરતમાં MSME એકમોને મળશે પ્રોત્સાહન અને એવોર્ડ
