ભુજ:
ભુજની જી.કે જનરલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ ગઈ છે. હોસ્પિટલમાં તબીબોના બેદરકારીના કારણે બે દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
એપેન્ડીક્સનું ઓપરેશન કરાવવા આવેલા યુવાનોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આથી હોસ્પિટલ બહાર મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો.

અંજાર તાલુકાના દબડા ગામે રહેતા ૧૭ વર્ષિય પરપ્રાંતિય ગોવિંદભાઈ નામના યુવાનનું મોત નિપજ્યું હતું, તો ભીમાસરમાં રહેતા ૩૦ વર્ષિય રવિન્દ્ર જેન્તીલાલ જેઠવાનું પણ મોત થયું હતું.
અંતે પરિવારજનોએ રોષ વ્યક્ત કરીને હોબાળો મચાવતા જવાબદારો નાસી ગયા હોવાના આક્ષેપો મૃતકના ભાઈએ કર્યા હતા. દબડાના મૃતક ગોવિંદના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો, જ્યારે રવિન્દ્ર જેઠવાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને તબીબોની બેદરકારી સામે ઉચ્ચ સ્તરેથી પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત જી.કે. જનરલ હોસ્પિટલની બેદરકારીને કારણે આ રીતે દર્દીઓના મોત થઈ ચૂક્યા છે ત્યારે આજે પણ મૃતકના પરિવારે હોસ્પિટલમાં કસાઈઓ કામ કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે. આ અંગે હોસ્પિટલના જવાબદારોનો સંપર્ક સાધતા તેઓએ ફોન રિસીવ કરવાની તસ્દી પણ લીધી ન હતી.
