Gandhinagar News: ગુજરાત સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. તેણે અમરેલીની બેન્કના રિલેશનશિપ મેનેજરનું મોટું કારસ્તાન ઝડપી પાડ્યું છે. તે ખોટા સ્થળનું વેરિફિકેશન કરીને એકાઉન્ટ ખોલી આપતો હતો. તે સાઇબર ગઠિયાઓ માટે બેન્ક એકાઉન્ટ ભાડે લેતો હતો. સ્ટેટ સાઇબર ક્રાઇમે મેનેજર સુમિત પરસોત્તમ સાવલિયાની ધરપકડ કરી છે.
સ્ટેટ સાઇબર સેલને આશા છે કે મેનેજરની ધરપકડના કારણે કેટલાય સાઇબર ઠગાઈના કેસ ઉકેલાઈ શકે છે. આ સાથે તેના ખાતામાં અને તેણે ભાડે આપેલા ખાતામાં થયેલી લેવડદેવડની ચકાસણી મોટા સાઇબર કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે.
આ પહેલા સાઇબર સેલે મે મહિનામાં કરેલી ઝપાટાબંધ કાર્યવાહીમાં રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની મદદથી 12 મહત્વના કેસો ઉકેલી નાખ્યા હતા અને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો તથા ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપ્યા હતા.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરીફ સૈયદ, ગૌતમ ઉર્ફે માર્કો, ચિરાગ ઢોલા અને યશ યાદવને ઝડપ્યા હતા.
આ ગેંગે પ્રણય ભાવસાર નામના વ્યક્તિનું ICICI બેંક ખાતું હેક કરી, રૂ. 49 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આરોપીઓએ પ્રણયને નેપાળની હોટેલમાં 6 દિવસ ગોંધી રાખી, ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ અમદાવાદ અને સુરતથી પકડાયા છે. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર 200થી વધુ ફરિયાદો નોંધાઈ છે.
આ ઉપરાંત 14 મે 2025ના રોજ અન્ય એક કેસમાં, ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. 14.94 લાખની છેતરપિંડી કરનાર જનક ભાલાળા અને ભાવેશ બોરડને સુરતથી ઝડપાયા હતા. આરોપીઓએ ફરિયાદી મહિલાને મુંબઈ સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી, ડ્રગ્સના પાર્સલનું બહાનું કરી ડિજિટલ એરેસ્ટ કરી હતી.
આ પણ વાંચો: Surat News/સુરતમાં 200 કરોડથી પણ વધુ રકમનું સાઇબર ફ્રોડનું કૌભાંડ પકડાયું
