Not Set/ Video ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી ભાનુશાળી દુષ્કર્મ કરતા હતા

અમદાવાદ: પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ MLA જયંતિ ભાનુશાળી સામે સુરતની એક ૨૧ વર્ષીય યુવતીએ દુષ્કર્મ કર્યા અંગેની પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. આ યુવતીએ ગત તા. ૧૦ જુલાઈના રોજ પોલીસને કરેલી અરજીમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી સામે ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અરજીમાં જણાવ્યા મુજબ ભાનુશાળીએ તેણીનો […]

Top Stories Ahmedabad Gujarat Surat Trending Politics
Surat girl complain against BJP Gujarat vice president jayanti bhanushali

અમદાવાદ: પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ MLA જયંતિ ભાનુશાળી સામે સુરતની એક ૨૧ વર્ષીય યુવતીએ દુષ્કર્મ કર્યા અંગેની પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે.

આ યુવતીએ ગત તા. ૧૦ જુલાઈના રોજ પોલીસને કરેલી અરજીમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી સામે ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અરજીમાં જણાવ્યા મુજબ ભાનુશાળીએ તેણીનો બીભત્સ વીડિઓ (Video) વાયરલ કરી દેવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરતા રહ્યા હતા.

એટલું જ નહીં, જો કોઈને આ વાતની જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોતાના પર લાગેલા આ આક્ષેપો પછી જયંતિ ભાનુશાળીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષપદેથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. નલિયા કાંડ પછી કચ્છના વધુ એક ભાજપના નેતાનું અન્ય એક દુષ્કર્મના કેસમાં નામ સંડોવતા કચ્છ અને રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અરજીમાં યુવતીએ શું કહ્યું?

સુરત ખાતે રહેતી આ ૨૧ વર્ષીય યુવતીએ ભાજપના નેતા જયંતિ ભાનુશાલી સામે કરેલી ફરિયાદ (અરજી)માં કહેવામાં આવ્યું છે કે, ધોરણ-12 પાસ કર્યા પછી ફેશન ડિઝાઇનિંગમાં એડમિશન લેવા અંગે એક પરિચિતે મારો સંપર્ક જયંતિ ભાનુશાલી સાથે કરાવ્યો હતો. તેમણે મને ગમે તે કોલેજમાં પ્રવેશ અપાવી દેવાની વાત કરી હતી. પ્રારંભમાં એક બે વખત મને અમદાવાદ બોલાવી હતી તેમજ મારા અભ્યાસને લગતા કાગળો માંગ્યા હતા. તે સમયે તેમણે મારી સાથે એક પિતા જેવું વર્તન કર્યું હતું.

કાળા રંગની કારમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું

યુવતીએ અરજીમાં જણાવ્યું છે કે, નવેમ્બર, 2017ની આસપાસ જયંતિ ભાનુશાળીએ મને ફોન કરીને મારા ઓરિજિનલ સર્ટિફિકેટ્સ સાથે અમદાવાદ આવવા કહ્યું હતું. આ સમયે તેમણે ગાંધીનગર જવું પડશે તેવું કહીને તેઓ મને એક કાળા રંગની કારમાં બેસાડીને હાઈવે પર લઈ ગયા હતા.

આ પછી રસ્તામાં એક સ્થળે કાર ઉભી રાખીને તેઓ મને એક ખેતરમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે બળજબરીથી મારા પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે અમુક ઇસમોએ મારો વીડિઓ પણ ઉતાર્યો હતો.

આ સમયે જયંતિ ભાનુશાલી પાસે ચપ્પુ હતું  તેમજ તેની સાથે રહેલા લોકો પાસે બંદૂક હોવાથી હું ખૂબ ડરી ગઈ હતી. તે સમયે તેમણે મને કહ્યું હતું કે તારા જેવી અનેક છોકરીએ એડમિશન લેવા માટે આવે છે, એડમિશન એમ જ થોડું મળી જાય.

વીડિઓ વાયરલ કરવાની ધમકી આપી હતી

આ ઘટના પછી તેમણે મને વીડિઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જો હું આવું નહીં કરું તો વીડિઓ વાયરલ કરી દેવાની તેમણે ધમકી આપી હતી.

આ પછી અવારનવાર તેઓ મને ફોન કરીને બોલાવતા હતા અને મારી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતા હતા. તેઓ મને જુદી જુદી લાલચ આપીને મારી સાથે દુષ્કર્મ કરતા રહ્યા હતા. તેઓ મારા પરિવારને કંઈક કરી દેશે તેવા ડરના કારણે મને તેમની વાત માનવાની ફરજ પડી હતી.

જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

યુવતીએ અરજીમાં જણાવ્યું છે કે, માર્ચ-2018માં જયંતિભાઈએ મને ફોન કરીને અમદાવાદ આવવા જણાવ્યું હતું. આ સમયે હું સુરતથી બસમાં બેસીને અમદાવાદ આવી ત્યારે મને તેનો ડ્રાઇવર એરપોર્ટ ખાતે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો.

આ હોટલમાં આ સમયે તેમણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મને બીજા પુરુષ પાસે જવાનું પણ કહ્યું હતું. પરંતુ તે સમયે મેં આ વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે તેમણે મને ગાળો ભાંડી હતી અને મને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અરજી પર સહી કરાવી લીધી હતી

યુવતીએ અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, તા. 24-04-2018ના રોજ જયંતિ ભાનુશાળીના માણસો મારા ઘરે આવ્યા હતા. અને તેમના માણસોએ મારી પાસેથી એક અરજી પર બળજબરીથી સહી કરાવી લીધી હતી.

આ અરજીમાં લખ્યું હતું કે, હું જયંતિ ભાનુશાળીને ઓળખતી નથી. બાદમાં તેમના માણસો પૈકીના એક વ્યક્તિએ મને એક પેન ડ્રાઇવ આપી હતી, આ પેન ડ્રાઇવમાં રહેલા વીડિઓ જોઈને મને જયંતિ ભાનુશાળીને ફોન કરવાનું કહ્યું હતું. આ પેન ડ્રાઇવમાં મારા અને જયંતિ ભાનુશાળીનો વીડિઓ હતો.

અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા માટે પણ દબાણ

યુવતીએ અરજીમાં જણાવ્યું છે કે, તેઓ પૈસાના જોરે અવાર નવાર મારા ઘરે પોલીસ મોકલીને અમને ધમકાવતા હતા. એટલું જ નહીં, ભાનુશાળી મને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતા હતા.

જેના કારણે આ તમામ વાતોથી કંટાળીને છેવટે મારે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી. હું તેમજ મારો પરિવાર ખૂબ જ માનસિક તણાવમાં છીએ. જો અમને કંઈ થશે તો તેની જવાબદારી જયંતિ ભાનુશાળીની રહેશે.