સોમવારથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ થઈ ગઈ છે. આજે રાજ્યમાંથી કુલ 17,14,979 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
આજે ધોરણ 10માં ભાષાનું પેપર,
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન,
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામના મૂળતત્વનું પેપર છે.
સોમવારના રોજથી શરુ થનારી પરીક્ષા 23 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે પુરા રાજ્યમાં 1548 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં 5483 બિલ્ડીંગના 60337 બ્લોકોમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બોર્ડની પરીક્ષામાં કોઈ પણ રીતે ગેરરીતિ ના થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની કુલ 42 સ્કવોડની ટીમો ગોઠવવામાં આવી છે. આ સિવાય જૂનાગઢ, પાટણ, મોરબી, સહિતના કેટલાક જિલ્લામાં ડીઈઓએ અલગથી સ્કવોડની માંગ કરતા જિલ્લાકક્ષાએ 15 સ્કવોડને મંજુરી અપાઈ છે.
પ્રથમ દિવસે વિવિધ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના મોં મીઠા કરવા ઉપરાંત કુમકુમ તિલક કરીને અને ગુલાબનું ફૂલ આપીને વિધાર્થીઓને પ્રોત્સાહિત કરીને પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે.
