રસ્તે જતા લોકોને ડરાવીને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકનાર યુવકને પોલીસે પકડ્યો છે.ગાંધીનગરમાં આ યુવકે પીજીમાં રહેતી યુવતીની જાહેરમાં મશ્કરી કરતો વીડિયો ઉતાર્યો જતો. પ્રેન્ક વીડિયો બનાવવા માટે 21 વર્ષીય યુવકે સેક્ટર-27ની હોસ્ટેલમાં રહેતી યુવતી પર વિગ નાખી હતી.
પાર્થ નામના આ યુવકે ઓચિંતી વિગ નાખતા યુવતી ગભરાઈ ત્યારે તેના મિત્રો આ ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતા. યુવતીએ બૂમાબૂમ કરતાં સ્થાનિકોએ ઝડપી લીધા હતા. યુવકોએ માફી માગી મામલો સમેટવા પ્રયાસ કર્યો હતો, પરંતુ મક્કમ રહેલી યુવતીએ 181 અભયમની મદદથી યુવકને પોલીસના હવાલે કર્યો હતો.
19 વર્ષની આ યુવતી પોતાના ઘરથી દૂર અભ્યાસ હેતુથી સેક્ટર-27 ખાતે આવેલી હોસ્ટેલમાં રહે છે. બે દિવસ અગાઉ સાંજના સમયે આ યુવતી ઝેરોક્સ કરાવવા માટે બહાર નીકળી હતી. આ સમયે એક યુવક તેની નજીક આવ્યો હતો અને પોલીસ સ્ટેશનનું એડ્રેસ પૂછ્યુ હતું. સરનામું બતાવીને યુવતી આગળ વધી હતી, પરંતુ યુવક પણ તેની સાથે આગળ આવ્યો અને અચાનક માથે પહેરવાની વિગ નાખી હતી.
જાહેર માર્ગ પર આ પ્રકારના વર્તનથી ગભરાયેલી યુવતીએ બૂમાબૂમ કરતાં નજીકમાં આવેલી બોય્ઝ હોસ્ટેલના છોકરાઓ દોડી આવ્યા હતા. તેમણે વિગ નાખનાર યુવકને પકડી લીધો હતો, પરંતુ પ્રેન્ક વીડિયો બનાવવા માટે શૂટિંગ ઉતારી રહેલા તેના મિત્રો નાસી ગયા હતા. પોતાની આસપાસ ટોળું જોઈને યુવકે માફી માગી હતી, પરંતુ મજાકના નામે હેરાનગતિ કરનારા યુવકને માફ નહીં કરવાનું યુવતીએ નક્કી કર્યું.
યુવતીએ આ ઘટના અંગે 181 અભયમને જાણ કરતાં 181 ગાંધીનગરના કાઉન્સિલર દિપીકાબેન ત્યાં પહોંચી ગયા હતા. પાર્થ નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે યુવતી મક્કમ રહેતા આખરે તેને સેકટર-21 પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. 181 મારફતે યુવતીએ પોતાની સાથે થયેલી મશ્કરી અંગે પોલીસને અરજી આપી હતી. પોલીસે યુવકને ઠપકો આપીને જવા દીધો હોવાનું કહેવાય છે.
યુવતીની રજૂઆત સાંભળી પોલીસે પાર્થનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાંથી 12 જેટલા પ્રેન્ક વીડિયો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ વીડિયો ડીલિટ કરી મોબાઈલ જપ્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
