Navsari News: ગુજરાતમાંથી મહાકુંભમાં અત્યાર સુધીમાં 50 લાખ લોકો જઈ ચૂક્યા છે અને હજી પણ ધસારો યથાવત્ જ છે. ગુજરાતમાંથી મહાકુંભમાં જતી બધી ટ્રેનો, ફ્લાઇટ, ખાનગી ટ્રાવેલ્સની બસો અને સરકારે શરૂ કરેલી સર્વિસ બધુ પેક છે ત્યારે ગુજરાતી શ્રદ્ધાળુઓ કાર લઈને નીકળી પડ્યા છે.
કેટલાય ગુજરાતી શ્રદ્ધાળુઓ કાર લઈને પ્રયાગ રાજમાં કુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છે. આ રીતે નવસારીથી કારમાં ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુને અકસ્માત નડ્યો છે, જેમા એક મહિલાનું મોત નીપજ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ નવસારીથી પ્રયાગરાજ જતી વખતે ચિત્રકૂટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમા કારમાં સવાર સાત લોકો ઇજા પામ્યા હતા. આ સમયે એક મહિલા ગંભીર રીતે ઇજા પામતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સ્વાતિ પટેલનું ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. તેઓ વીમા કંપનીમાં કાર્યરત હતા. મહિલાના મોતના લીધે આખા કુટુંબમાં શોકનું વાતાવરણ છે. આમ મહાકુંભમાં અત્યાર સુધી બે ગુજરાતીના મોત થઈ ચૂક્યા છે. એક ગુજરાતી મહેશભાઈ પટેલનું મૌની અમાસના દિવસે થયેલી દોડધામમાં મૃત્યુ થયુ હતુ.
મહેશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના રહેવાસી હતા અને હાલમાં સુરતમાં રહેતા હતા. તેમનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન કડા ગામે આવશે. તેમનો મૃતદેહ આગામી 24 કલાકમાં વતને પહોંચે તેવી સંભાવના છે.
65 વર્ષીય મહેશભાઈ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે તેમના સમુદાયના લોકો સાથે ગયા હતા. મહેશભાઈનું બુધવારે પ્રયાગરાજમાં અવસાન થયું. નોંધનીય છે કે બુધવારે સવારે પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં ઘણા લોકોના મોત થયા બાદ, મહેશભાઈનું પણ એ જ ભાગદોડમાં મૃત્યુ થયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, પરિચિતોના જણાવ્યા મુજબ, તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું. વહીવટી સૂત્રોએ જણાવ્યું હતું કે તેમના સંબંધીઓ પાસેથી મળેલી માહિતી મુજબ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
આ પણ વાંચો: મહાકુંભ નાસભાગ મામલે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે, આ માંગણીઓ કરવામાં આવી
આ પણ વાંચો: મહાકુંભમાં ભાગદોડમાં 30 લોકોના મોત, વહીવટીતંત્રે કહ્યું- 25 લોકોની ઓળખ થઈ
આ પણ વાંચો: મોટા આયોજનોમાં થઇ જાય નાની-મોટી ઘટનાઓ, યોગીના મંત્રી સંજય નિષાદનું મહાકુંભમાં ભાગદોડ પર વિવાદાસ્પદ નિવેદન
