Surat News: સુરતમાં ફરી એકવાર કરોડોની છેતરપિંડી (Surat Event Manager Fraud)નો કેસ સામે આવ્યો છે. આ વખતે ઠગાઈનો ભોગ ટેક્સટાઇલ કે ડાયમંડ ઉદ્યોગ નહીં, પરંતુ ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારી બન્યા છે. મોટા વરાછા વિસ્તારમાં ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતા અભિષેક બોરડાએ મુંબઈની ત્રણ એન્ટરટેઈનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે આશરે 1.43 કરોડ રૂપિયાની છેતરપિંડી (Surat Event Manager Fraud)ની ફરિયાદ નોંધાવી છે.
Surat Event Manager Fraud: સુરતના વેપારી સાથે મોટો ફ્રોડ
ફરિયાદ મુજબ, મુંબઈની કંપનીઓએ સુરતમાં જાણીતા બોલિવૂડ કલાકારો અને ગાયકોના ભવ્ય લાઈવ શો યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મોટા કાર્યક્રમોના આયોજનના નામે વેપારીનો વિશ્વાસ જીત્યા બાદ વિવિધ તબક્કામાં એડવાન્સ તરીકે મોટી રકમ લેવામાં આવી હતી.
સમજૂતી મુજબ નક્કી કરેલા સમયગાળા દરમિયાન કોઈપણ લાઈવ શો યોજાયો નહોતો. ત્યારબાદ ફરિયાદીએ પોતાની રકમ પરત માગતા આરોપીઓએ સુરક્ષા રૂપે કરોડો રૂપિયાના ચેક આપ્યા હતા. જોકે સમગ્ર રકમમાંથી માત્ર રૂ. 1.15 લાખ જ પરત મળ્યા હતા. બાકીના અંદાજે રૂ. 1.41 કરોડના ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર છેતરપિંડી (Surat Event Manager Fraud)નો ભાંડો ફૂટ્યો હતો.
આ ઘટના બાદ અભિષેક બોરડાએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુંબઈની ત્રણ એન્ટરટેઈનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન, કરાર સંબંધિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સુધી પહોંચવા માટે ખાસ તપાસ ટીમ મુંબઈ મોકલવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનાએ સુરતના ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ચકચાર મચાવી છે. પોલીસ હવે આ કેસમાં આર્થિક વ્યવહારો અને અન્ય સંભવિત પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં MBBS સ્કોલરશિપના નામે છેતરપિંડી, પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસેથી લાખો પડાવ્યા
આ પણ વાંચો:લંડન વર્ક પરમિટના નામે સુરતના યુવક સાથે 8 લાખની છેતરપિંડી, આરોપી વડોદરાથી ઝડપાયો
આ પણ વાંચો:સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ₹3.06 કરોડની છેતરપિંડીનો મામલો, 34 વેપારીઓ ફસાયા
