વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આજે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દ્વારકામાં 3 ઇંચ ખંભાળિયામાં 4 ઇંચ કલ્યાણપુર અને ભાણવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. તેમજ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય હતી.આજે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ સાથે જ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને ભૂજ શહેરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. 1 ઈંચથી લઇ 2 ઇંચ સુધીનો વરસાદ વિવિધ જિલ્લાઓમાં પડ્યો હતો.
બિપોરજોય વાવાઝોડા પગલે સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદ સાથે પવનના કારણે અનેક જગ્યાઓએ વૃક્ષ ધરાશાયી થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
