Ahmedabad News: અમદાવાદના કોટ (Kot Area) વિસ્તારમાં આવેલા આ મંદિરમાં નવરાત્રિના (Navratri) તહેવારોમાં ભારે ભીડ ઉમટે છે. અહીં આઠમના નોરતે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે. માન્યતા મુજબ જે ભક્ત અહીં માતાના મંદિરે પોતાના લગ્નની ઈચ્છા વ્યક્ત કરે તેની ઈચ્છા અવશ્ય પૂર્ણ થાય છે. મુસ્લિમ બિરાદરો તેમજ ખૂણે ખૂણેથી લોકો અહીં દર્શન કરવા આવે છે.
નવરાત્રિના 9 દિવસોમાં બાળકથી લઈ વૃદ્ધ સુધીના બધા લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા, માતાજીના આશીર્વાદ લેવા માતાના મંદિરે જાય છે, ત્યારે અમદાવાદમાં (Ahmedabad) આવેલા કાલુપુર વિસ્તારમાં ભંડારીની પોળમાં આવેલા વારાહી માતાના મંદિરે લગ્નોત્સુક યુવક, યુવતીઓ નવરાત્રિમાં દર્શન કરવા આવે છે. અહીં માતાના મંદિરે આઠમના દિવસે 150 કિલો જેટલા ઘીથી માતાની મૂર્તિ બનાવવામાં આવે છે.
જાણકારીના આધારે, જ્યારે કોઈ પણ શ્રદ્ધાળુ અહીં બાળક માટેની બાધા રાખે છે, તો મંદિર તરફથી તેમને રમકડાં આપવામાં આવે છે. જ્યારે તેમની માનતા પૂરી થાય, ત્યારે આ રમકડા આ જ મંદિરમાં માતાજી સમક્ષ પધરાવી દેવાના હોય છે. એટલું જ નહીં, જો કોઈ લગ્નની ઈચ્છા લઈને આવે છે, તો તેમને ઢીંગલા ઢીંગલી આપવામાં આવે છે, જે યુગલ બનવાનું પ્રતીક છે. તે પણ માનતા પૂરી થયા પછી માતાજી સમક્ષ ઢીંગલા ઢીંગલી પધરાવી દેવાના હોય છે.
અહીં લોકમુખે સાંભળવા મળ્યું છે કે અમદાવાદ શહેરની સ્થાપના થયા પહેલાનું આ મંદિર બંધાયેલું છે. પહેલા આ વિસ્તાર ભંડેરીરૂપ તરીકે જાણીતો હતો. ગામના બધા જ લોકો અહીં દર્શન કરવા આવતા.બાદમાં ગામની સુરક્ષા માટે વારાહી માતાજીની નાનકડી દેરી વડલાની નીચે સ્થપાઈ. આ ગામમાં વારાહી માતાજીના એક ભક્ત દલપતજી રહેતા હતા. માતાજી તેમના સપનામાં આવ્યા અને પૂછ્યું કે, ભઈ તું સૂતો છું અને મારા ઝાડના પાન ચોરાઈ રહ્યા છે. આ સપનામાંથી દલપતજી જાગ્યા અને તાત્કાલિક વડલા પાસે પહોંચ્યા. હાથીને તેમણે પોતાની તલવારથી માર્યો. જવાબમાં સુબાના સૈનિકોએ વડલો કાપવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ વડલાની નજીક આવે, તે પહેલા જ વડલો જાતે જ ધરાશાયી થઈ ગયો અને એક જ્યોત તેમાંથી નીકળી. આ જ જ્યોત મંદિરમાં છે, આ મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી.’
આસો માસમાં નવરાત્રી દરમ્યાન માઁ વારાહીની ઉપાસના કરવા માટે રોજ રાત્રે 9:00 કલાકે મહાઆરતી થાય છે આઠમના દિવસે માઁ ભવાનીની માંડવી સ્થાપના કરવામાં આવે છે. આઠમથી ચૌદશ સુધી અલગ અલગ ભાવિ -ભક્તો ઘ્વારા મંદિર પાસે ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને ચૌદસના દિવસે રાત્રે અને પૂનમની વહેલી સવારે માતાજીની માંડવી વધાવવામાં આવે છે. આ દરમ્યાન મંદિર પાસે દરવર્ષે અલગ અલગ શક્તિના રૂપે ઘીની મૂર્તિ બનાવીને ભક્તો માટે દર્શનાથે મુકવામાં આવે છે. આ ઘીની મૂર્તિના દર્શન આસો સુદ એકમ થી આસો સુદ પૂનમ સુધી ખુલ્લા રાખવામાં આવે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:ભગવાન શિવના તાંડવ પાછળની કથા જાણો, સ્કંદ પુરાણમાં નટરાજની મુદ્રાનો છે ઉલ્લેખ
આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય