Himmatnagar News: ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં સાબરકાંઠાના હિંમતનગરમાં વકીલોનો વિરોધ ઉગ્ર (Himmatnagar Lawyers Protest) બન્યો છે. સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ કોર્ટની કામગીરીથી અળગા રહી કોર્ટ પરિસરમાં સૂત્રોચ્ચાર અને ધરણાં યોજ્યાં હતા. વિરોધ દરમિયાન વકીલોએ હિંમતનગર કોર્ટના (Himmatnagar Court) મુખ્ય ગેટને તાળું મારી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
Himmatnagar Lawyers Protest: કોર્ટના મુખ્ય ગેટ પર તાળાબંધી
ગુજરાત ભાડા વિધેયક-2026 (Gujarat Rent Bill 2026) સહિત વિવિધ માંગણીઓને લઈને વકીલો દ્વારા રાજ્યવ્યાપી વિરોધ ચાલી રહ્યો છે. હિંમતનગરમાં પણ વકીલો મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં એકત્ર થયા હતા.વકીલોએ મુખ્ય ગેટને તાળું મારી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કોર્ટ પરિસરમાં પ્રતિકાત્મક ધરણાં યોજીને સરકારનું ધ્યાન પોતાની માંગણીઓ તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો.
કાગળની હોડી બનાવી અનોખો વિરોધ
વિરોધ દરમિયાન વકીલોએ કાગળની હોડી બનાવી અનોખી રીતે પોતાની રજૂઆત કરી હતી. વિવિધ સૂત્રોચ્ચાર સાથે વકીલોએ ભાડા વિધેયક સહિતના મુદ્દાઓ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.વકીલોનું કહેવું છે કે નવા વિધેયકની કેટલીક જોગવાઈઓ અંગે તેમને ગંભીર વાંધાઓ છે અને તેમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી તેમની માગ છે.
ભાડા વિવાદોના નિકાલ અંગે વકીલોનો વાંધો
વકીલોનો મુખ્ય વિરોધ ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તા અને અધિકારક્ષેત્રમાં સૂચવાયેલા ફેરફારોને લઈને છે. અહેવાલો અનુસાર વિધેયકમાં ભાડા વિવાદોના નિર્ણયની પ્રક્રિયામાં ન્યાયિક સત્તા અને વહીવટી તંત્રની ભૂમિકા અંગે ફેરફારની જોગવાઈઓ સામે કાનૂની આલમ વાંધો ઉઠાવી રહ્યો છે.વકીલોનું કહેવું છે કે વિધેયકની જોગવાઈઓ અંગે પૂરતી ચર્ચા અને વિચારણા બાદ જ આગળની કાર્યવાહી થવી જોઈએ.
અન્ય માંગણીઓ પણ રજૂ કરી
ભાડા વિધેયક ઉપરાંત વકીલોએ પોલીસને આપવામાં આવેલી કેટલીક સત્તાઓમાં ફેરફાર, એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ અને સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ ધરાવતા ગુનાઓમાં પોલીસ કાર્યવાહી સંબંધિત મુદ્દાઓ અંગે પણ સરકાર સમક્ષ રજૂઆતો કરી છે.
રાજ્યભરમાં હડતાળનો માહોલ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના (Sabarkantha Bar Association) આહ્વાન બાદ 5 ઑક્ટોબરથી રાજ્યભરના વકીલો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી હતી. તેના પગલે વિવિધ અદાલતોમાં કોર્ટ કાર્યવાહી પર અસર જોવા મળી હતી.
દરમિયાન, 5 ઑક્ટોબરે ગુજરાતના મહાધિવક્તા કમલ ત્રિવેદીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી એવી ખાતરી આપવામાં આવી છે કે ગુજરાત ભાડા વિધેયક-2026ને રાજ્યપાલની મંજૂરી નહીં મળે અને મૂળ કાયદો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમ છતાં વકીલોનો વિરોધ તાત્કાલિક સમાપ્ત થયો નહોતો.
હિંમતનગરમાં વકીલોનું કહેવું છે કે તેમની વિવિધ માંગણીઓ (Gujarat Lawyers Strike) અંગે યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ કોર્ટની કામગીરીથી અળગા રહી વિરોધ ચાલુ રાખશે.
@દિપકસિંહ રાઠોડ
આ પણ વાંચો: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોનો વિરોધ, 4 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય
આ પણ વાંચો: ‘રેન્ટ એક્ટ પાછો ખેંચો’ના નારા, ગુજરાતમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ
આ પણ વાંચો: વકીલો સામે સરકાર ઝૂકી! ભાડા બિલ 2026 પર મોટી રોક
