Uttar Pradesh News: ઉત્તરપ્રદેશના બરેલીમાં કાયદો અને વ્યવસ્થાના ચીંથરા ઉડાડતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં કોન્ટ્રાક્ટરની હત્યાના આરોપમાં જેલમાં બંધ શૂટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં શૂટર કહે છે કે તે સ્વર્ગમાં છે. દરમિયાન તે કોઈને રિપ્લાય આપે છે અને કહે છે કે પૈસા જોઈતા હોય તો મારી પાસેથી લઈ લો. આ વીડિયો વાયરલ થતા જેલ પ્રશાસન અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
આ અંગે જેલરનું કહેવું છે કે જેલમાં મોબાઈલનો ઉપયોગ સંભવ નથી. હત્યાના આરોપીને 7 માર્ચના રોજ કોર્ટમાં હાજર કરવા માટે બહાર લઈ જવાયો હતો. તપાસ બાદ વીડિયોની સત્યતા બહાર આવશે. આ વીડિયો ક્યારનો છે તે હાલ જાણી શકાયું નથી.
શૂટર આસીફનો આ વીડિયો વાયરલ થયો છે. જેમાં તે દોસ્તો સાથે લાઈવ વાતચીત કરતો નજરે ચડે છે. આસિફ તેના મિત્રોને કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી, તે સ્વર્ગમાં મોજ લઈ રહ્યો છે. ચેટીંગ દરમિયાન તે સવાલોના જવાબ આપતા કહે છે કે દોસ્ત દિલમાં રહે છે, જીંદગીમાં પૈસા જ બધુ નથી હોતા. સંબંધ પણ મહત્વના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાહજહાપુરમાં પીડબલ્ટુડીના કોન્ટ્રાક્ટર રાકેશ યાદવની ડિસેમ્હર 2019માં ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જેમાં પોલીસે શૂટર આસીફની ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો હતો. હાલમાં આસિફ બરેલીની સેન્ટ્રલ જેલમાં બંધ છે.
આસિફના વીડિયોને પગલે જેલ પ્રશાસન અને પોલીસ પણ ચોંકી ઉઠી છે. મામલાની માહિતી માટે પોલીસ સુપ્રિટેન્ડન્ટે સેન્ટ્રલ જેલમાં શૂટર આસીફની તલાશી લેવડાવી હતી. જોકે કંઈ મળ્યું ન હતું. આ વાયરલ વિડીયો સેન્ટ્રલ જેલની અંદરનો હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જોકે સેન્ટ્રલ જેલના પ્રમુખ જેલ સુપ્રિટેન્ડન્ટ વિજય રાયનું કહેવું છે કે આસિફને કોર્ટની તારીખમાં હાજર કરવા માટે 7 માર્ચના રોજ જેલની બહાર લઈ જવાયો હતો, તે સમયે તેણે કોઈ પ્રકારે આ વીડિયો બનાવી લીધો હશે. જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ સંભવ નથી.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક
આ પણ વાંચો:અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો
