મેક્સિકો,
વિશ્વના સીરીયા જેવા અનેક દેશોમાં અત્યારે છેલ્લા કેટલાક સમયથી હિંસક ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે.. ત્યારે એવામાં મેક્સિકોના આંકડાઓથી વાત બહાર આવી છે કે મેક્સિકોમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે. જયારે વાત સંખ્યાઓની કરીએ તો વર્ષ 2018 ના પ્રથમ ત્રણ મહિનામાં મેક્સિકોમાં 7667 લોકોની હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. જે ગત વર્ષ 2017 કરતા 20 ટકા વધારે છે. સરકારી આંકડા પરથી મળેલ માહિતી મુજબ 2017 નાં પ્રથમ 3 મહિના દરમિયાન 6406 લોકોની હત્યાઓ થઈ હતી. આજે બહાર પડેલા ડેટા મુજબ મેક્સિકોમાં હત્યા મામલે માર્ચ મહિનો સૌથી ખતરનાક રહ્યો છે. જેમાં ૨૭૨૯ લોકોની હત્યા થઈ છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં 2549 અને ફેબ્રુઆરી મહિનામાં 2389 લોકોની હત્યા થઈ હતી.

રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે દવાઓની તસ્કરી કરતા સંગઠનો, ક્રૂડ ઓઈલની ચોરી કરતા સંગઠનો, અપહરણ, ખંડણી અને અન્ય અપરાધિક ગતિવિધીઓના કારણે હત્યાઓની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. 2017 માં કુલ 25339 લોકોની હત્યા થઈ હતી. છેલ્લા 10 વર્ષથી આ આંકડાઓનો અભ્યાસ કરવાનુ ચાલુ છે. ત્યારથી લઈને 2017 નો આંકડો સૌથી ઊંચો જણાયો છે. જો કે 2018 ના વર્ષની જે પ્રકારે હત્યાઓ થઈ છે તે જોતા ચાલુ વર્ષે આ આંકડો હજુ પણ ઉંચો જઈ શકે એમ છે. મેક્સિકોમાં 1 જુલાઈના રોજ દેશની સામાન્ય ચુંટણીઓ યોજાવાની છે. આ ચુંટણીની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી હિંસક ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે.
