ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની અછતને પૂરી કરવા માટે ટીમમાં રિષભ પંતને લેવામાં આવ્યો છે. પરંતુ તે સતત આ અમુલ્ય તકને ગુમાવી રહ્યો છે. આઈપીએલમાં પોતાની બેટિંગથી પ્રભાવિત કરનાર રિષભ પંત ધોનીની ગેરહાજરી બાદ મળેલી તકને સતત ખોઇ રહ્યો છે. તે હાલની સ્થિતિમાં ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન પંત પર સૌ કોઇની નજર હતી અને આશા હતી કે તે આ મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવશે. પરંતુ અત્યાર સુધીની મેચમાં તે ફ્લોપ જ રહ્યો છે. તે 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ખરાબ રીતે ફ્લોપ થયો હતો અને 3 ઇનિંગ્સમાં 19.33 ની સરેરાશથી માત્ર 58 રન જ બનાવી શક્યો હતો. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનનું રહ્યું. તેણે આ ઇનિંગ્સ કિંગ્સટન ટેસ્ટમાં રમી હતી. બેટિંગથી નિષ્ફળ રહ્યા હોવા છતા, પંત વિકેટકીપિંગ કરતી વખતે મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો છે.

કિંગ્સટન ટેસ્ટની બીજી ઈનિગ્સમાં વેસ્ટ ઈન્ડિઝનાં ઓપનર ક્રૈગ બ્રેથવેટ પકડવાની સાથે જ પંતે તેનુ નામ રેકોર્ડ બુકમાં નોંધાઇ દીધુ હતુ. તે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટની દ્રષ્ટિએ સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચ્યો હતો. પંતે તેની કારકિર્દીની 11 મી ટેસ્ટ રમતી વખતે આ સિદ્ધિ મેળવી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી વિકેટ પાછળ 50 વિકેટનો રેકોર્ડ ત્રણ ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચર, ઇંગ્લેન્ડનાં જોની બેયસ્ટ્રો અને ઓસ્ટ્રેલિયાનાં ટિમ પેન દ્વારા શેર કરવામાં આવ્યો છે. ત્રણેય ખેલાડીઓએ તેમની કારકિર્દીની 10 મી ટેસ્ટ રમતી વખતે વિકેટ પાછળ 50 વિકેટ પૂર્ણ કરી હતી. આ યાદીમાં બીજા ક્રમે એડમ ગિલક્રિસ્ટ અને રિષભ પંત છે. બંનેએ પોતાની કારકિર્દીની 11 મી ટેસ્ટમાં આ આંકડો સ્પર્શ્યો.

વિકેટની પાછળ સૌથી ઝડપથી 50 વિકેટ પૂરી કરનાર ભારતીય રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીનાં નામે નોંધાયો હતો, જે હવે પંતનાં નામે છે. ધોનીએ આ આંકડો 15 ટેસ્ટમાં સ્પર્શ્યો હતો. ત્યારે પંત ધોનીને ચાર ટેસ્ટનાં અંતરથી પછાડવામાં સફળતા મેળવી છે. પંતનાં 50 શિકારોમાં 48 કેચ અને 2 સ્ટમ્પિંગ છે. ઉલ્લેખનીય છે કે, પંતે ઇંગ્લેન્ડ સામે 2018 માં નોટિંઘમમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ. આ પછી, તે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ પાછળ ગ્લબ્સ સાથે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન પંતે વિકેટકીપર તરીકે શ્રેણી, મેચ અને ઇનિંગ્સમાં સૌથી વધુ કેચ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કાંગારૂ ટીમ સામેની શ્રેણીમાં 20 કેચ લીધા હતા. વળી એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 કેચ અને બીજી ઇનિંગમાં 5 કેચ સાથે મેચમાં કુલ 11 કેચ લેવાનો નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
