Kanpur News: ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ (Kanpur Test) સાત વિકેટે જીતી લઈ બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી છે. ભારતને બાંગ્લાદેશે 95 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને ભારતે આ લક્ષ્યાંક 3 વિકેટ ગુમાવી 98 રન કરી પાર પાડતા ભારતનો વિજય થયો હતો. વિરાટ કોહલી 29 રન કરીને અને રિષભ પંત ચાર રને અણનમ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલે (Yashsvi Jaiswal)સળંગ બીજી ઇનિંગ્સમાં અડધી સદી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રન કર્યા હતા.
આ પહેલા બાંગ્લાદેશે ગઈકાલના 2 વિકેટે 26 રનથી આજે આગળ રમવાનો પ્રારંભ કરતા 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બુમરા, અશ્વિન અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપતા બાંગ્લાદેશનો બેટિંગ ગઢ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. બાંગ્લાદેશ પાસે ભારતના પેસ અને સ્પિન આક્રમણ બંનેનો કોઈ જવાબ ન હતો.
બાંગ્લાદેશ તરફથી ઓપનર શાદમાન ઇસ્લામના 50 રન કરતાં કોઈ બેટ્સમેન ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકયો ન હતો. બાંગ્લાદેશના બેટ્સમેનોને બીજી ઇનિંગ્સમાં ભારત સામે ડબલ ફિગરે પહોંચવામાં ફાંફા પડી ગયા હતા. ફક્ત ચાર ખેલાડી જ ડબલ ફિગરે પહોંચી શક્યા હતા.
બાંગ્લાદેશ માટે આ મેચ યાદ રાખવાલાયક એટલા હશે કેમકે મેચના અઢી દિવસ વરસાદમાં ધોવાઈ ગયા હોવા છતાં પણ ભારત આ મેચ જીતવામાં સફળ રહ્યુ હતુ. જો બાંગ્લાદેશ તરફથી મોમિન ઉલ હકકે પહેલી ઇનિંગ્સમાં અણનમ સદી ફટકારી ન હોત તો બાંગ્લાદેશની સ્થિતિ કદાચ આનાથી પણ વધારે ખરાબ હોત. આ ઉપરાંત ભારતે ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય કોઈએ ન કરી હોય તેટલી ઝડપથી બેટિંગ કરી હતી.
બંને ઇનિંગ્સમાં ભારતીય પેસરો અને સ્પિનરોએ બંનેએ રંગ રાખ્યો હતો. બાંગ્લાદેશના બેટ્સમેનો બુમરાહના રિવર્સ સ્વિંગને તો અશ્વિન તથા જાડેજાની સ્પિન બોલિંગને સમજવામાં નિષ્ફળ ગયા હતા. આજે ભારત પાસે અશ્વિન અને જાડેજા જેવા ઓલરાઉન્ડર છે જેમણે ટેસ્ટમાં 300 વિકેટ ઝડપવા ઉપરાંત 3000 હજારથી વધુ રન પણ નોંધાવ્યા છે. ભારતના ટેસ્ટ ઇતિહાસમાં ભારત પાસે આ પ્રકારના ઓલરાઉન્ડરની જોડી ક્યારેય ન હતી. કપિલદેવ હતો, પરંતુ તેને ટેકો આપનાર કોઈ ફાસ્ટ બોલર જોડીમાં ન હતો.
આ પણ વાંચો: વિરાટે બેટ આપ્યું ભેટ, આકાશદીપે માર્યા 2 સિક્સ, કોહલીની પ્રતિક્રિયા થઈ વાયરલ
આ પણ વાંચો: રવિન્દ્ર જાડેજા 300 વિકેટ અને 3000 રનની સિદ્ધિ નોંધાવનારો ત્રીજો ઓલરાઉન્ડર
આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સ માટે RTM કાર્ડનો ઉપયોગ કરી હાર્દિકને છોડવો નફાકારક સોદો