IND vs IRE/ ભારતે બીજી T20 મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું,શ્રેણી પણ જીતી

ભારતે 3 T20 શ્રેણીની બીજી મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું છે. આ રીતે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી જીતી લીધી છે

Top Stories Sports

ભારતે 3 T20 શ્રેણીની બીજી મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું છે. આ રીતે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી જીતી લીધી છે. આયર્લેન્ડને મેચ જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ યજમાન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડ માટે ઓપનર એન્ડ્ર્યુ બલબિર્નીએ 51 બોલમાં 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ ઉપરાંત પ્રખ્યાત કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને 1 સફળતા મળી.

186 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 19ના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન પોલ સ્ટર્લિંગ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ જ ઓવરમાં પ્રખ્યાત કૃષ્ણાએ લાર્કન ટકરને પણ આઉટ કર્યો હતો. હેરી ટેક્ટર 7 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી કેમ્પર અને એન્ડ્રુ બલબિર્ની વચ્ચે ભાગીદારી થઈ. પરંતુ કેમ્પર 17 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. ડોકરેલ 13 રને રન આઉટ થયો હતો. એન્ડ્રુ બલબિર્ની અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 51 બોલમાં 72 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે બીજી T20 મેચમાં ભારતને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 29 રનની ભાગીદારી થઈ હતી. યશસ્વી જયસ્વાલે 11 બોલમાં 18 રન બનાવ્યા હતા. તિલક વર્મા ફરી એકવાર સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. તે માત્ર એક રન બનાવી શક્યો હતો. આ પછી સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડે ઈનિંગને સંભાળી અને ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી. સંજુ સેમસન 26 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન ઋતુરાજે 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, ફિફ્ટી લગાવ્યા બાદ તે 58ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી શિવમ અને રિંકુ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ પાછળની ઓવરોમાં બંનેએ જોરદાર માર માર્યો હતો. રિંકુ સિંહ 21 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. શિવમ 16 બોલમાં 22 રન બનાવીને અણનમ રહ્યો હતો.