શેરબજાર માટે નાણાકીય વર્ષ 2019-20 નો પ્રથમ દિવસ શુકનિયાળ સાબિત થયો છે જ્યારે શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ઉછાળો જોવા મળતા સેન્સેક્સે 39 હજારની સપાટી વટાવી હતી. સેન્સેક્સમાં કુલ 320 પોઇન્ટનો ઉછાળો જોવા મળતા તે 39 હજારની સપાટી વટાવી ગયો હતો તો બીજી તરફ નિફ્ટી પણ 73 પોઇન્ટના ઉછાળા સાથે 11,697 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
ટ્રેડિગ દરમિયાન તે 344 પોઇન્ટ વધીને 39,017.06 પર પહોંચી ગયો. જે હજુ પણ સૌથી ઉચ્ચ સ્તરે છે. અગાઉનો રેકોર્ડ 29 ઓગસ્ટ 2018નો છે જ્યારે સેન્સેક્સ 38,989.65ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ આજ સવારથી તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં ચોતરફ તેજી જોવા મળી છે જેમાં ખાસ કરીને ઓટો અને મેટલ શેર્સનો સૌથી વધુ હિસ્સો રહેલો છે.
સવારે શેરબજાર ખુલતાની સાથે સેંન્સેક્સ 281 અંકોના વધારા સાથે 38,954 અને નિફ્ટી 70 અંકોની વૃદ્વિ સાથે 11,694 પર કારોબાર કરી રહ્યો હતો. સેન્સેક્સમાં એનર્જી, મેટલ, પીએસયુ, બેંક, ઓટો, ઇન્ફ્રા, આઇટી અને ફાર્મા સહિત દરેક મુખ્ય સેક્ટરમાં તેજી જોવા મળી હતી.
