મુંબઈવાસીઓ હવે તેમના ઘરે આવતા નળમાંથી સીધુ પાણી પી શકશે.બસ શરત એટલી કે સોસાયટીમાં આવેલી આ પાણીની પાઈપ લાઇનને, સોસાયટીની પાણીની ટાંકી અને ઘરના નળને સ્વચ્છ રાખવો પડશે.
મુંબઈ કોર્પોરેશને લોકોને મિનરલ જેવું ચોખ્ખું પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર અશોક તવાડિયાના કહેવા પ્રમાણે પાલિકા દ્વારા જે પાણી વિતરણ કરાય છે તે પ્યોર અને મિનરલ છે. તેને સીધુ જ પીવામાં ઉપોયગ કરી શકાય છે.
મુંબઈમાં સરકારી હોસ્પિટલમાં દર વર્ષે ઝાડા ઉલ્ટીના લાખો કેસ નોંધાય છે. ત્યારે નળમાં જ સીધું મિનરલ પાણી પહોંચાડવાની મુંબઈ મહાનગરપાલિકાની આ પહેલ ખૂબ જ મોટું પગલું ગણી શકાય છે.
કોર્પોરેશનના જણાવ્યા મુજબ એપ્રિલ 2018થી માર્ચ 2019 દરમિયાન મુંબઈના જુદા જુદા વિસ્તારો અને સમયે લેવામાં આવેલ પાણીના નમૂના ટેસ્ટ કરતા સામે આવ્યું છે કે તેમાં 0.7% પોઝિટિવ કોલિફોર્મ બેક્ટેરિયા હોય છે જે WHOના પીવા યોગ્ય પાણીમાં નિર્ધારિત 5%ની કોલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા કરતા ઘણાં ઓછા છે.
આ પહેલા પણ આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ એજન્સીઓએ નોંધ્યું હતું કે મુંબઈ મહાનગર પાલિકાના પાણીના જળસંગ્રહ સ્ત્રોત ભાંડુપ ખાતે રહેલું પાણી દુનિયામાં સૌથી શુદ્ધ પાણી પૈકી એક છે. પરંતુ આ પાણીની વહેંચવાની નબળી સિસ્ટમના કારણે પાણી તેના ઉપયોગકર્તા સુધી પહોંચે તે પહેલા જ ગંદુ થઈ જાય છે.
જો કે કોર્પોરેશનના સૂત્રોના કહેવા પ્રમાણે ડિસેમ્બર 2018થી શહેરની 7000 કિમી લાંબી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં એકદમ શુદ્ધ અને પિવા યોગ્ય પાણી સપ્લાઈ થઈ રહ્યું છે.
અધિકારીના જણાવ્યા અનુસાર ડિસેમ્બર બાદ લેવામાં આવેલા તમામ પાણીના સેમ્પલમાં કોલિફોર્મનું પ્રમાણ 1% જેટલું જ છે. જે માર્ચ મહિનામાં ઘટીને 0.7% થઈ ગયું હતું. જ્યારે ઇન્ટરનેશનલ ધારાધોરણ મુજબ 5% બેક્ટેરિયા હોય તેવું પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય છે
