National News : ભારતની ઊર્જા નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તે કોઈ પણ દેશના પ્રતિબંધો પર આધારિત નથી. તાજેતરમાં અમેરિકાએ રશિયન તેલ(Oil) સંબંધિત છૂટછાટ (waiver) સમાપ્ત કરી હોવા છતાં, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ (Oil)અને LPG ખરીદવાનું ચાલુ રાખશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય રિફાઇનરીઓ એવા સપ્લાયર્સ અને જહાજો પાસેથી તેલ ખરીદશે જે પ્રતિબંધોની યાદીમાં નથી. અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાનું નિર્ણય તેનો પોતાનો અધિકાર છે, પરંતુ તે ભારતની ઊર્જા આયાત નીતિને અસર કરતું નથી. સાથે જ, રશિયા પાસેથી LPGની આયાત વધારવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.

આંકડાઓ મુજબ, માર્ચ 2026માં ભારતે દરરોજ સરેરાશ લગભગ 1.98 થી 2.06 મિલિયન બેરલ રશિયન તેલ(Oil) આયાત કર્યું હતું, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ છે. 2023-24 અને 2024-25 દરમિયાન પણ રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર રહ્યો હતો, જે કુલ આયાતમાં આશરે 35-36 ટકા હિસ્સો ધરાવતો હતો. માર્ચ 2026માં ભારત, ચીન પછી રશિયન ઊર્જાનો બીજો સૌથી મોટો ખરીદદાર બન્યો હતો.
તાજેતરના સમયમાં સરકારી રિફાઇનરીઓ દ્વારા રશિયન તેલની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતે વિવિધ સ્ત્રોતોમાંથી ઊર્જા મેળવવાની વ્યૂહરચના અપનાવી છે. યુક્રેન યુદ્ધ બાદ ભારત રશિયાનું સૌથી મોટું દરિયાઈ બજાર બન્યું હતું, અને હાલની વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તે આ નીતિ ચાલુ રાખી રહ્યું છે.
ભારત સરકારે ફરીથી દોહરાવ્યું છે કે તેની પ્રથમ પ્રાથમિકતા દેશની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવાની છે. તેલની ખરીદી સંપૂર્ણપણે વ્યાપારી અને ટેકનિકલ આધાર પર થાય છે—અર્થાત્ જે તેલ સસ્તું, ઉપલબ્ધ અને રિફાઇનરી માટે યોગ્ય હોય તે જ ખરીદવામાં આવશે.