આજે મુંબઈગરાઓને વધુ એક ભેટ મળશે. આજે શુક્રવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ ‘અટલ સેતુ-MTHL’નું ઉદ્ઘઘાટન કરશે. આ બ્રિજના કારણે મુંબઈના લોકોને શહેરમાં અવર-જવરમાં વધુ સરળતા રહેશે. અટલ બ્રિજના કારણે માત્ર 20 મિનિટમાં મુંબઈથી નવી મુંબઈ પહોંચવું શક્ય બનશે. મુંબઈનો આ બ્રિજ ભારતના વિકાસમાં એક નવી ગાથા લખશે.
મુંબઈ ભારતની આર્થિક રાજધાની ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને મુંબઈ મોહમયી નગરી કહેવાય છે. હવે મુંબઈના આર્કષણમાં વધુ એક વધારો થયો છે. મુંબઈના દરિયા પર બનેલ અટલ સેતુ બ્રિજ ભારતનો સૌથી મોટો બ્રિજ બન્યો છે. આ બ્રિજ મુંબઈગરાઓને ટ્રાફિક સમસ્યામાંથી રાહત આપશે. મુંબઈના જાણીતા સ્થાનોમાં ગેટવે ઓફ ઇન્ડિયા, સિદ્ધિ વિનાયક મંદિર, મહાલક્ષ્મી મંદિર, હાજી અલી દરગાહ, અંજતા અને એલોરા ગુફા, જુહુ અને મરીન ડ્રાઈવ ચોપાટી અને ફિલ્મ સિટીનો સમાવેશ થાય છે. હવે આ આર્કષણમાં વધુ એક પીછું ઉમેરાતા અટલ સેતુ લોકોના આર્કષણનું કેન્દ્ર બનશે.
2 કલાકનું અંતર ઘટાડશે
દેશના સૌથી લાંબા અટલ બિહારી વાજપેયી શિવડી-ન્વાશેવા અટલ બ્રિજ (MTHL)ને આજે ખુલ્લો મુકવામાં આવશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (Mumbai Trans Harbour Link) બ્રિજ ‘અટલ સેતુ’ના નામે ઓળખાશે. હાલમાં દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવામાં 2 કલાકનો સમય લાગે છે, જયારે દરિયા પર બનેલ અટલ સેતુ-MTHL પુલ દ્વારા માત્ર 35 મિનિટમાં આ અંતર પૂર્ણ કરી શકાશે. આ બ્રિજ પર કોઈપણ પ્રકારની અટકાયત વગર દક્ષિણ મુંબઈમાં સેવરીથી થાણે ક્રીક અને ચર્ચિલને પાર કરી સીધા નવી મુંબઈ પંહોચી શકાશે. આ બ્રિજ મુંબઈના ટ્રાફિકને હળવો કરશે. અને મુંબઈગરાઓને નવી મુંબઈ, નવી મુંબઈ એરપોર્ટ, મુંબઈ-પુણે એક્સપ્રેસ, મુંબઈ ગોવા હાઈવે પહોંચવું વધુ સરળ બનશે.
બ્રિજની ખાસિયત
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (અટલ સેતુ-MTHL) બ્રિજ શિવારીથી શરૂ થાય છે અને રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના ન્હાવા શેવા ખાતે સમાપ્ત થાય છે. આ બ્રિજમાં 15,000 કુશળ કામદારોની મદદ લઈ 10 દેશોના નિષ્ણાતોએ કામ કર્યું છે. દેશમાં પ્રથમ વખત વાહનોની સ્પીડ જાળવવા આ બ્રિજ પર અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્યાવરણ અને દરિયાઈ જીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દરિયામાં બનેલ આ પુલ નિર્માણ કરવામાં આવ્યો છે.
- આ પુલ નિર્માણમાં સામેલ એન્જિનિયરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ‘અટલ સેતુ-MTHL’ પુલ બનાવવામાં આવ્યો છે જે આગામી 100 વર્ષ સુધી ટકી રહેશે. તેમજ દરિયાના તૂફાની મોજાં અને ભૂકંપના આંચકા પણ પુલને ક્ષતિ નહી પંહોચાડી શકે.
- 17,840 કરોડ રૂપિયાનો ખર્ચે ‘અટલ સેતુ’ બ્રિજ બનાવવામાં આવ્યો
- 100 કિમીની ઝડપે વાહન ચલાવવાની છૂટ આપવામાં આવી
- વાહનોની સ્પીડ જાળવવા ઓપન રોડ ટોલિંગ સિસ્ટમનો ઉપયોગ
- મોટર સાયકલ, ઓટોરિક્ષા અને ટ્રેક્ટરની અવરજવર પર પ્રતિબંધ
- ફોર-વ્હીલર્સ માટેની મહત્તમ ગતિ મર્યાદા100 kmph
- કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિની બસ અને ટુ-એક્સલ બસ ચલાવી શકાશે
અધિકારીએ આપી માહિતી
એક અધિકારીના જણાવ્યા અનુસાર અટલ સેતુ-MTHL બ્રિજ પર કાર, ટેક્સી, મિની બસ જેવા ફોર વાહનો પ્રતિ કલાક 100 કિલોમીટરની ગતિ મર્યાદા સાથે ચલાવવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે આ બ્રિજ પર મોપેડ, થ્રી-વ્હીલર, ઓટો, ટ્રેક્ટર, પશુઓથી ચાલતા વાહનો અને ધીમી ગતિએ ચાલતા વાહનો ચલાવી શકાશે નહિ. તેમજ બ્રિજના ચઢાણ અને ઉતરાણ પરની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રાખવામાં આવી છે. MTL ખોલ્યા પછી, સરકારે મુંબઈ અને નવી મુંબઈ પછી રાયગઢ જિલ્લામાં ત્રીજું મુંબઈ બનાવવાની યોજના પર વિચારણા કરી રહી છે.