અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં લુખ્ખાગીરી અને ભાઈગીરી ખુબજ વધતી જઈ રહી છે. સામાન્ય બોલાચાલીમાં મારામારી અને જીવલેણ હુમલાના કિસ્સા ગોમતીપુરમાં છાશવારે વધતા જઈ રહ્યા છે.જે લોકો માટે ખુબજ ચિંતાજનક સાબિત થઇ રહ્યું છે.
ગઈ કાલે પણ ગોમતીપુરના શરાફની ચાલી પાસે સામાન્ય બોલાચાલીમાં એક વ્યકિત ઉપર બે ઈસમોએ જીવલેણ હુમલો કરી દીધો હતો.જેમાં તે વ્યક્તિને શારીરિક ઈજાઓ પહોંચી હતી.એટલુંજ નહિ બંને અસામાજિક તત્વોએ હાથમાં તલવાર લઈને ફરિયાદીને ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બંને ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પુષ્પેન્દ્ર વર્માએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વિપુલ અને રાહુલ નામના ઈસમોએ ગઈ કાલે મોડી સાંજે તેમની સાથે નજીવી બાબતમાં તકરાર કરી હતી. જેમાં આરોપીઓએ ફરિયાદીની સાથે જાહેર રોડ ઉપર માથાકૂટ કરીને ક્યાંકથી આરોપીઓ તલવાર અને બેઝબૉલનો ડંડો લઈને આવી ગયા હતા અને ફરિયાદીની ઉપર હુમલો કરી દેતા ફરિયાદીના ડાબા હાથ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી જતા તેમને આસપાસના લોકોએ નજીકના હોસ્પ્ટિલમાં ખસેડયા હતા. જ્યાં તેમણે સારવાર મેળવીને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ અને વિપુલ વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની તેમજ કિંમતી વસ્તુમાં નુકશાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી હતી. એટલુંજ નહિ આરોપીઓએ કરેલા હિંસક હુમલાંમાં ફરિયાદીનો મોબાઈલ પણ તૂટી ગયો હતો.
