Tapi News: તાપી જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપના તાપી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ સુરજ દેસાઈ પર ગંભીર આક્ષેપ થયા છે. આ આક્ષેપ પાછા સોશ્યલ મીડિયા ગ્રુપમાં વાઇરલ થયા છે. એક સમયે વિપક્ષના વિડીયો વાઇરલ કરતી ભાજપના આંતરિક જૂથવાદના મેસેજ બહાર વાઇરલ થવા લાગ્યા છે.
આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ સામે ધારાસભ્ય મોહન ઘોડિયાએ પણ ફરિયાદ કરી હતી. વાલોડ તાલુકાના ભાજપ પ્રમુખ સહિત 50થી પણ વધુ કાર્યકરોએ સુરજ દેસાઈ સામે ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે સુરજ દેસાઈ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ પક્ષની લાઇન મુજબ ચાલતા નથી. આ ઉપરાંત તે પક્ષના કાર્યકરોને પણ ધમકાવી રહ્યા છે. જિલ્લા ભાજપ સંગઠનની રચના પહેલાં જ આ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આમ આવતીકાલે નવા નીમાયેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો બારડોલીમાં સન્માન સમારંભ છે. તેના પહેલા જ આ વિવાદ વાઇરલ થયો છે. ભાજપ યુવા મોરચાના આગેવાનના પરાક્રમોથી પક્ષના કાર્યકરો નારાજ છે. તેઓની સામે છેક જિલ્લા પ્રદેશ પ્રમુખ સુધી પણ ફરિયાદ થઈ ચૂકી છે. વળી સ્થાનિક ધારાસભ્ય પણ તેમના વિરોધમાં છે. આ બતાવે છે કે તાપી ભાજપમાં બધુ સમુસૂતરુ નથી. યુવા મોરચેના પ્રમુખની સામે જ કાર્યકરોએ મોરચો માંડી દીધો છે.
નવા પ્રદેશ પ્રમુખના આગમન સમયે જ આંતરિક વિખવાદનો પરપોટો ફૂટતા તાપી ભાજપના ટોચના હોદ્દેદારો દોડતા થઈ ગયા છે. તેઓએ તરત જ વાલોડના સંગઠન પ્રમુખ અને કાર્યકરોની વાત કાને ધરી છે અને તેનો ઉકેલ લાવવા હૈયાધારણ પણ આપી હોવાનું કહેવાય છે. આ વાત છેક પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ચૂકી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: તાપી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ અરવિંદ ચૌધરીને કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ કરાઈ કાર્યવાહી
આ પણ વાંચો: Gandhinagar/ગાંધીનગરઃ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 13 જિલ્લાની 47 બેઠકો પર ચાલુ છે મનોમંથન સાંજ સુધીમાં અંદાજે 35 બેઠકો પરની વિચારણા પૂર્ણ અરવલ્લી, સાબરકાંઠાની બેઠકો
