લિબીયાના બેંગાજી શહેરની એક મસ્જીદની બહાર થયેલ બે કાર બોમ્બ બ્લાસ્ટમાં આશરે ૨૭થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે, ઘાયલો પૈકી કેટલાકની હાલત અતિ ગંભીર બતાવવામાં આવી રહી છે, જેથી મૃતાંક વધવાની પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે.
જો કે હજી સુધી કોઈ આતંકી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યુ કે, નાગરીકો પર આ રીતનો હુમલો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનો ભંગ છે અને આ હુમલો યુદ્ધ અપરાધ સમાન છે.

મળતી માહિતી મુજબ, લિબીયાના બેંગાજીમાં સેના અને પોલીસ દળના પ્રવક્તા કેપ્ટન કતારેક અલ્ખારાજે હુમલા અંગે જણાવ્યુ હતું કે, પ્રથમ વિસ્ફોટ ગત રાત્રે આશરે ૮ઃ૨૦ વાગ્યાની આસપાસ આવાસીય સલમાની વિસ્તારમાં થયો હતો. તેમજ જ્યારે સ્થાનિક લોકો અને મેડિકલ ટીમનો સ્ટાફ ઘાયલો તેમજ મૃતકોને સારવાર અર્થે ખસેડી રહ્યા હતા ત્યારે અચાનક બીજા બ્લાસ્ટ થયો હતો.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૧માં લિબીયાના તાનાશાહ મોમ્માર ગદ્દાફીને સત્તાથી હાંકી કાઢવા અને હત્યા બાદ લિબીયામાં અરાજક્તાનો માહોલ જાવા મળ્યો હતો. વર્ષ ૨૦૧૪થી જ લિબીયાના પૂર્વ અને પશ્ચિમી વિસ્તારમાં અલગ અલગ સરકાર અને સંસદ છે અને બન્નેને અલગ અલગ સંગઠનો અને જનજાતિઓનુ સમર્થન પ્રાપ્ત છે.

તેમજ અવાર નવાર અહીં આતંકી હુમલા થતા રહે છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં લોકો સ્થળાંતરણ પણ કરી રહ્યા છે.
