મુંબઈ પોલીસે મંગળવારે “વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ”નું આયોજન કર્યું હતું. જેની અધ્યક્ષતા મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરલેએ કરી હતી. પત્રકાર પરિષદ દરમિયાન કમિશનરે છેલ્લા એક વર્ષમાં મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.
મુંબઈ પોલીસમાં અધિકારીઓ અને કોન્સ્ટેબલની કુલ સંખ્યા 46212 છે, જ્યારે 8747 જગ્યાઓ હજુ પણ ખાલી છે. મુંબઈ પોલીસને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા માટે 139 મેડલ મળ્યા છે. જયારે કોરોનાની ત્રણેય લહેર દરમિયાન 126 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2021માં મુંબઈમાં ગુનાના કુલ 64656 કેસ નોંધાયા હતા, જેમાંથી 53193 કેસ ઉકેલાયા હતા. પોલીસે ગયા વર્ષે 82% કેસ ઉકેલ્યા હતા, જે 2020 કરતા 26% વધુ છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે કોરોના દરમિયાન કલમ 188 હેઠળના કેસમાં વધારો થયો છે.
જયારે વર્ષ 2021માં રોજના 177 કેસ નોંધાયા હતા. ગયા વર્ષની સરખામણીમાં હત્યા અને ગંભીર ગુનાઓમાં 3 ટકાનો વધારો થયો છે. 10413માં પ્રોપર્ટી વિવાદના કેસો પણ સામે આવ્યા હતા, જે ગયા વર્ષ કરતા 20 ટકા વધુ છે. અન્ય નાના કેસોમાં પણ 29 ટકાનો વધારો થયો છે. મહિલાઓને લગતા 5496 કેસ નોંધાયા હતા જેમાંથી 4335 કેસો ઉકેલાયા હતા. વર્ષ 2020ની સરખામણીમાં ગુનામાં 21 ટકાનો વધારો થયો છે. બળાત્કારના કેસોમાં 15 ટકાનો વધારો થયો છે, જ્યારે 59 ટકા ગુનાઓ સગીર છોકરીઓ પર આચરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસે ગત વર્ષે ઓપરેશન મુસ્કાન હેઠળ 29 બાળકો અને 116 છોકરીઓને તેમના પરિવારો સાથે ભેગા કર્યા છે.
