ઈઝરાયલ-હમાસ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ જાહેરાત કરી છે કે તેઓ ગાઝા પટ્ટીમાં હવાઈ, જમીન અને નૌકા દળોને સંડોવતા સંકલિત હુમલા માટે તૈયાર છે. IDFનું આ નિવેદન પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટી પાસે સૈનિકો સાથે મુલાકાત કર્યા બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા સામે ઇઝરાયલની સેનાની જવાબી કાર્યવાહીની આ માત્ર શરૂઆત છે.
ઈઝરાયલની સેનાએ કહ્યું- અમે ગાઝા પટ્ટીમાં સંકલિત હુમલા માટે તૈયાર છીએ
મીડિયા રિપોર્ટ અનુસાર, IDFના પ્રવક્તા રિચર્ડ હેચટે કહ્યું કે, ઈઝરાયલની સેનાએ પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટી પર સંકલિત હુમલાની તૈયારી કરી છે, જેમાં હવાઈ, જમીન અને નૌકા દળો સામેલ હશે. તેમણે કહ્યું, “હમાસે વિશ્વને વારંવાર બતાવ્યું છે કે તેઓ શું સક્ષમ છે. હવે IDF વધુ તાકાત સાથે સામનો કરવા માટે તૈયાર છે. વિશ્વમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી.”
ઈઝરાયલ ગાઝા વિસ્તારમાં 10,000 સૈનિકો મોકલવાની યોજના
પોતાના નિવેદનમાં ઈઝરાયલની સેનાએ ઉત્તરી ગાઝાના લોકોને વહેલી તકે શહેર છોડી દેવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે તે હવે ઉત્તરી ગાઝામાં વ્યાપક શ્રેણીના આક્રમક હુમલાઓ અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. ઈઝરાયલી દળોએ ગાઝા શહેરને કબજે કરવા માટે 10,000 સૈનિકો મોકલવાની કથિત યોજના બનાવી છે. જોકે, ઈઝરાયલી સેનાએ એ નથી જણાવ્યું કે આક્રમક હુમલા ક્યારે શરૂ થશે.
ઈઝરાયલની મદદ માટે અમેરિકા બીજું યુદ્ધ જહાજ મોકલશે
ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર, અમેરિકા હમાસ સામેની લડાઈમાં ઈઝરાયલને સમર્થન આપવા માટે બીજું નૌકા યુદ્ધ જહાજ મોકલવાની પણ તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં યુએસએસ ડ્વાઇટ ડી. આઈઝનહોવર કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં મોકલશે, જ્યારે અમેરિકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ પહેલાથી જ અહીં તૈનાત છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયેલમાં 29 અમેરિકન નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો: આ શું થવા બેઠું છે…!/ હાર્ટ એટેકથી વધુ ત્રણના મોત, મહેસાણામાં યુવતીનું અને સુરતમાં યુવકનું મોત
આ પણ વાંચો: J&K/ પુંછમાં હિંદુઓ અને શીખોને ધમકી આપતા પોસ્ટરો લાગ્યા, અહીથી ચાલ્યા જાઓ, નહીં તો…
આ પણ વાંચો:જીવલેણ હાર્ટ એટેક/ માત્ર દોઢ જ મિનિટમાં ઉડી ગયું યુવકનું પ્રાણ પંખેરું, જુઓ CCTV