Not Set/ જગતના મનુષ્યોની ક્ષુધા સંતોષવાનું કાર્ય મા અન્નપૂર્ણા કરે છે

જેમ સંસદમાં દરેક પ્રકારના કાર્યભાર માટે મંત્રીઓ નિયુક્ત કર્યા છે. તેમ જગતનું પાલન-પોષણ શ્રીવિષ્ણુના હાથમાં છે, અને મનુષ્યોની ક્ષુધા સંતોષવાનું કાર્ય અન્નપૂર્ણાને સોંપેલું છે. ‘મા’ શબ્દ હિતકારી છે. જે સંતાનોની દરેક પ્રકારે રક્ષા કરે છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે । જ્ઞાાન-વૈરાગ્ય સિદ્ધાર્થ ભિક્ષા દેહિ ચ પાર્વતી ।। પૌરાણિક કથા અનુસાર જ્યારે પૃથ્વી ઉપર પાણી અને […]

Uncategorized

જેમ સંસદમાં દરેક પ્રકારના કાર્યભાર માટે મંત્રીઓ નિયુક્ત કર્યા છે. તેમ જગતનું પાલન-પોષણ શ્રીવિષ્ણુના હાથમાં છે, અને મનુષ્યોની ક્ષુધા સંતોષવાનું કાર્ય અન્નપૂર્ણાને સોંપેલું છે. ‘મા’ શબ્દ હિતકારી છે. જે સંતાનોની દરેક પ્રકારે રક્ષા કરે છે.

અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે ।

જ્ઞાાન-વૈરાગ્ય સિદ્ધાર્થ ભિક્ષા દેહિ ચ પાર્વતી ।।

પૌરાણિક કથા અનુસાર જ્યારે પૃથ્વી ઉપર પાણી અને અનાજ ખતમ થવા લાગ્યું અને મનુષ્યોમાં હાહાકાર મચી ગયો. આ ત્રાસમાંથી મુક્તિ મેળવવા બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીની મદદ માંગી. યોગનિદ્રામાંથી ઊઠી શિવજીએ સમસ્ત સમસ્યાઓનું નિરાકરણ કરવા માતા પાર્વતી પાસે અન્નની ભિક્ષા માંગી અને જે અક્ષત (ચોખા) અન્ન પૂરણ કરવા આવ્યા હતા, તે શિવજીએ પૃથ્વી ઉપર પીડિત મનુષ્યોમાં વહેંચવા લાગ્યા. એ દિવસને “અન્નપૂર્ણા જયંતી” તરીકે મનાવવામાં આવે છે. જેના થકી મનુષ્યોને અન્નના પ્રતિ આદર ભાવ જાગૃત થાય છે અને તે અન્નનું સંરક્ષણ કરવા માટે પ્રેરિત થાય છે.

આ પ્રકારથી કહે છે કે, જ્યારે ભગવાન શિવ કાશીમાં બિરાજમાન રહી મનુષ્યોને મોક્ષ આપી રહ્યા છે ત્યારે માતા પાર્વતી અન્નપૂર્ણામાં જીવિત લોકોને માટે ભોજનની વ્યવસ્થા કરતા હતા.

ઘણા બધા કારણોથી અન્નપૂર્ણા જયંતીનું મહત્ત્વ મનુષ્યના જીવનમાં ઘણું અધિક છે કારણ કે, આ વ્રત મનુષ્યને અન્નનું મહત્ત્વ અને સમાનતાનો ભાવ જગાવે છે. જેનાથી તે ખોટો અનાદર ન કરે. જ્ઞાાન થાય અને સ્વચ્છતાપૂર્ણ આહાર લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

‘અન્ન તેવો ઓડકાર’ એ કહેવત સાચી છે. સાચા અને સારા ભક્તિભાવ ભર્યા નિર્મળ હૃદયથી જમીશું અને જમાડીશું પરમાત્મા સાથે આત્માનું જોડાણ સહેલાઈથી થશે. માગશર મહિનાની શુકલ છઠ્ઠથી શરૂ થઈ માગશર કૃષ્ણ બારસ એટલે કે ૨૧ દિવસ સુધી મા અન્નપૂર્ણા ને ભક્તિભાવથી જીવનમાં અન્નરૂપી ક્યારેય ખોટ ન થાય અને જે આપ્યું છે તેનો આભાર માનવા માટે વ્રત થાય છે. ઉત્સવ થાય છે.

મા અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે રસોઈઘરને સ્વચ્છ કરી ચૂલા પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ઘરને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવે છે. વ્રતના વિધાનમાં સૌપ્રથમ પૂજા સ્થાનના ખૂણામાં એક બાજોઠ મૂકવો. તેના ઉપર એક લાલવસ્ત્ર પાથરવું અને મા અન્નપૂર્ણાની છબી મૂકવી. તે બાજોઠની મધ્યમાં ઘઉંની ઢગલી કરી ઉપર તાંબાનો કળશ મૂકવો. તેનાં ઉપર પાંચ પાન ગોઠવી શ્રીફળ મૂકવું. વ્રત કરનારે ચોખ્ખાં કપડાં પહેરી સ્વચ્છ આસન ઉપર બેસી. ૨૧ સૂતરનાં તાંતણાંની આંટી કરી તેને ‘જય અન્નપૂર્ણામા’ બોલતા જઈ ૨૧ ગાંઠો મારવી. આ આંટી માતાજીની છબી આગળ મૂક્વી. ત્યારબાદ ફૂલ મૂકવાં. ત્યારબાદ દીપક પ્રગટાવી માતાજીને કપાળમાં કંકુ તિલક કરવું. તેનાં ઉપર ચોખા ચોંટાડી અબીલ-ગુલાલનો છંટકાવ કરવો. આંટી ઉપર પણ અબીલ-ગુલાલનો છંટકાવ કરવો. અગરબત્તી કે ધૂપ કરવો.

પૂજા કરનાર ભક્તે ૨૧ ગાંઠોવાળી આંટી ગળામાં ધારણ કરવી. પૂજા પૂરી થયે આસન ઉપરથી ઊભા થતાં પહેલાં તે આંટી શ્રીફળ ઉપર લપેટી દેવી. પાંચ જયોતિવાળી માતાજીની આરતી કરવી. ત્યારબાદ ૧૦૮ મણકાવાળી તુલસીની રુદ્રાક્ષની સ્ફટિકની માળા લઈ ‘જય અન્નપૂર્ણામા’ બોલવું દરરોજ ૧ માળા તો અવશ્ય કરવી જો થઈ શકે તો ૨,૫,૧૧ માળા કરવાથી તેનું ફળ મળે છે. આ કાર્ય પત્યા પછી અન્નપૂર્ણામાની વ્રત કથા વાંચવી અથવા વંચાવવી. પછી માતાજીને જળની અંજલિ અર્પણ કરવી. તે જળને જમણા હાથમાં લઈ આચમન કરવું અને પ્રસાદ ગ્રહણ કરવો.

વ્રતધારક પાસે કોઈ કથા વાર્તા સાંભળનાર ન હોય તો પીપળાના પાન ઉપર સોપારી રાખી કુંવારપાઠાના છોડ આગળ દીપક પ્રગટાવી સૂર્યદેવ, ગાય, તુલસી અથવા મહાદેવને આ કથા સંભળાવવી. ઉપવાસમાં ભૂલથી જો કંઈ લીધું હોય તો ૧ દિવસ ફરીથી ઉપવાસ કરવો. વ્રતમાં ક્રોધ ન કરવો તેમજ અસત્ય ન બોલવું. ૨૧ દિવસ ઉપવાસ ન રાખી શકો તેમ હોય તો ૧ દિવસ ઉપવાસ કરવો. આ ૨૧ દિવસ દરમ્યાન માની આરતી થાળ કવચ, સ્તોત્ર વગેરે બોલવા. આનાથી મન સાફ અને નિર્મળ બનશે. આ વ્રત સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરનારું છે. આ વ્રતનું વૈજ્ઞાાનિક કારણ છે કે આ સમયે કોશિકાઓના જિનેટીક કણ રોગમુક્ત થઈ ચિરાયુ અને યુવા બનાવવામાં પ્રયત્નશીલ થઈ જાય છે. આ સમયે કરેલું ષડ્રસ ભોજન વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય વૃદ્ધિ કરે છે.

આનું સક્ષમ અને પ્રત્યક્ષ પ્રમાણ પુરાણકાળમાં મળ્યું છે. અંબાશંકર અને રમા નામના બ્રાહ્મણ. બ્રાહ્મણીની કથામાં સમજાય છે. દરિદ્ર બ્રાહ્મણે સુખ પામવા શિવજીની આરાધના શરૂ કરી. દેવે પ્રસન્ન થઈ ‘અન્નપૂર્ણા’ મંદિરે જવાનો આદેશ આપ્યો. અંબાશંકરે પૂર્વ દિશામાં આગળ-વધતાં સરોવર જોયું અને ત્યાં કેટલીક સ્ત્રીઓ ત્યાં પૂજા કરતી હતી. પૂછપરછમાં ‘મા અન્નપૂર્ણા’ વ્રત કરતી હોવાનું જણાવ્યું, બ્રાહ્મણે તે વ્રતની પૃચ્છા કરતાં સઘળી હકીકત જાણતાં વ્રત કરવાનું નક્કી કરી ૨૧ ગાંઠનો સૂતરનો દોરો બાંધ્યો. આગળ જતાં મા એ દર્શન આપી હીરા-માણેકની ભેટ આપી. જેનાથી અંબાશંકરનું દરિદ્ર મટે અને વિશ્વાસપૂર્વક વ્રતનું નિર્વાહ કરી શકે. બ્રાહ્મણ ખુશ થઈ માનાં આશીર્વાદ લઈ ઘરે આવ્યો અને પત્ની રમાને બનેલી બધી ઘટનાની જાણ કરી. બીજા દિવસે થોડાક ઘરેણાં વેચીને તેમાંથી ભોજનનો સામાન લાવ્યા. ત્યારબાદ ઘર બનાવ્યું. થોડાક પૈસાનો વ્યાપાર શરૂ કર્યો. ઘરમાં માતાજીના આશીર્વાદથી નોકર-ચાકર સાહ્યબી આવી. બંને બ્રાહ્મણ પતિ-પત્ની સુખેથી દિવસો વ્યતીત કરતાં પરંતુ શેર માટીની ખોટ સતાવતી. રમાનાં આગ્રહથી અંબાશંકરે બીજા લગ્ન કર્યા. પરંતુ તેનાં ઉગ્ર ઈર્ષ્યાળુ સ્વભાવને લીધે ‘અન્નપૂર્ણા વ્રત’ ખંડિત થયું. જેનાં ફળ સ્વરૂપ તેઓ ફરીથી દરિદ્ર પરિસ્થિતિમાં આવ્યા. દંપતીને ભૂલનો ખ્યાલ તો આવી જ ગયો હતો. તેથી માતાજીની માફી માંગી ફરીથી વ્રત શરૂ કર્યું અને તેનાં પ્રતાપે જેટલું ગુમાવ્યું હતું તેટલું અને પુત્રરત્ન શ્રદ્ધાભક્તિથી પ્રાપ્ત કર્યો. ત્યારબાદ પુણ્યવ્રતના પ્રતાપે બંને પત્ની પુત્રો સાથે ‘માતા અન્નપૂર્ણાની’ કૃપાથી જીવન વ્યતીત કર્યું.

આ કથાનક દ્વારા સારા કર્મો કરવા. ભક્તિ શ્રદ્ધાથી કરવી. વિશ્વાસ એવું વહાણ છે કે જે ક્યારેય સંસાર સાગરમાં ડૂબતું નથી. કાશીમાં ‘અન્નપૂર્ણા દેવી પીઠ’ છે. વિશ્વાસ અને શ્રદ્ધા ઉપર વિશ્વમાં કંઈપણ શક્ય છે. હિન્દુધર્મમાં જેમ લક્ષ્મીજી ધન-વૈભવની દેવી છે, તેમ અન્નપૂર્ણા અન્નની દેવી છે. મા ભક્તોની ભૂખ શાંત કરે છે. જે તેમની આરાધના કરે છે તેમનાં ઘરમાં અનાજની કમી ક્યારેય રહેતી નથી. ગ્રંથો અને પુરાણોમાં આનું વિવરણ કરેલ છે. શ્રીરામજી જ્યારે લંકા ઉપર ચઢાઈ કરતા હતા ત્યારે પોતાની વાનર સેનાની ભૂખ મટાડવા માટે ‘મા અન્નપૂર્ણા’ની પૂજા કરી. જેનાથી સેનાની ભૂખ યુદ્ધ દરમિયાન શાંત રહી હતી. અને તેમને વિજયપ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રત્યક્ષ પ્રમાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.