મ્યુનિસિપલ કોઉન્સીલની ચૂંટણી માં ૧૦માંથી ૭માં કૉંગ્રેસની સત્તા ભાજપ બેઠકોમાં પણ ત્રીજા નંબરે ધકેલાયું
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
દેશમાં પાંચ રાજ્યોની પેટાચૂંટણીના પરિણામો અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે કર્ણાટકની દસ મ્યુનિસિપલ કાઉન્સિલના શનિવારે પરિણામો જાહેર થયા જે ભાજપને આંચકો આપનારા અને અને દેશમાં લગભગ વેન્ટીલેટર પર મુકાયેલી કૉંગ્રેસની સ્થિતિમાં કમસે કમ આ રાજ્યમાં તો ઓક્સિજનનું સિલિન્ડર પૂરું પાડનારા સમાચાર છે.

કોરોનાના વધતા કહેર વચ્ચે ૨૭મી એપ્રિલે ૧૦ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી માટે મતદાન થયું હતું તેની મતગણતરી શનિવારે થઈ. પરિણામો જાહેર થતા કૉંગ્રેસને સાત સ્થળે સ્પષ્ટ બહુમતી મળી. એકમાં ભાજપની સત્તા જળવાઈ જ્યારે એકમાં જનતા દળ એસ બીજાના ટેકાથી સત્તા જાળવવામાં સફળ થયું. બેઠકોની વાત કરીએ તો કુલ ૨૬૩ વોર્ડ બેઠકોમાંથી કોંગ્રેસને ૧૨૦ બેઠકો મળી જ્યારે ભૂતકાળના ભાગીદાર પક્ષ જનતાદલ એસને પણ ૬૬ બેઠકો મળી,જ્યારે ભાજપને માત્ર ૫૨ બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો. આમ ગત ચૂંટણીમાં નંબર વન રહેનાર કેન્દ્ર અને રાજ્યનો સત્તાધારી પક્ષ છેલ્લા સ્થાને ધકેલાઇ ગયો. આ પરિણામ ભાજપને ભારે મોટો આંચકો આપનારું હોવાનું રાજકીય નિષ્ણાતો કહે છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદી યુરપ્પાના વતન અને મતવિસ્તાર એવા શિવમોગા જિલ્લાની કોઉન્સીલમાં ૩૪ પૈકી ભાજપને માત્ર ચાર બેઠકો મળી છે અને ત્યાં કૉંગ્રેસે બાકીની બધી બેઠકો મેળવીને સપાટો બોલાવી દીધો છે. કોંગ્રેસે બીજી ૬ કાઉન્સિલમાં સફળતા મેળવી છે તે પૈકી બેલારીમાં સત્તા જાળવી છે, જ્યારે બાકીની મ્યુનિસિપલ કાઉન્સિલ ભાજપ અને જનતા દળ એસ પાસેથી આંચકી છે. પૂર્વ વડાપ્રધાન દેવગોડાના વતન એવા હાંસલ જિલ્લાની બે કોઉન્સીલમાં કોંગ્રેસે બે તૃતીયાંશ બહુમતી મેળવી છે જેમાંની એકતો પૂર્વ મુખ્ય મંત્રી કુમારસ્વામીના મત વિસ્તારમાં આવે છે.

કૉંગ્રેસની આ જીત પ્રદેશ પ્રમુખ શિવકુમારની વ્યૂહરચનાને અને કેન્દ્ર સરકારના વિવિધ ખાતાઓ દ્વારા કોંગ્રેસી આગેવાનોને ત્યાં જે દરોડા પાડવામાં આવ્યા તેની આડ અસર હોવાનું પણ કર્ણાટકના ઘણા વિશ્લેષકો કહે છે. કર્ણાટકના એક જાણીતા ચૂંટણી નિષ્ણાત શિવપ્પા કહે છે કે ભૂતકાળમાં સાથે રહી સરકાર ચલાવનાર બે પક્ષ કોંગ્રેસ અને જનતા દળ એસ અલગ રીતે લડીને જે સફળતા મેળવી તે રીતે જો સાથે રહીને લડ્યા હોત તો ભાજપને ૨૦ બેઠકો મેળવવી પણ અઘરી પડી જાત. આ બન્ને પક્ષને મળેલા મતની ટકાવારી પણ ૬૫ ટકા કરતા વધારે છે.
![]()
આ પરિણામની ભલે રાજ્યસરકારની સ્થિરતા પર કોઈ અસર થવાની નથી પણ એક વાત સ્પષ્ટ છે કે દેશભરમાં મરણપથારીએ પડેલી કોંગ્રેસને કર્ણાટકના મતદારોએ ઓક્સિજનનું સિલિન્ડર પૂરું પાડ્યું છે. તો ઘણાં એમ પણ કહે છે કે સ્થાનિક ચૂંટણીરૂપી ઇન્જેકશને કૉંગ્રેસના ફેફસાની હાલત તો થોડી ઘણી સુધારી છે.

કોરોનાકાળ અને પાંચ રાજ્યોની ચૂંટણીના સમાચારો વચ્ચે નાની અને સામાન્ય ઘટના ઘણા કહી રહ્યા હોય પણ પક્ષપલટા અને પેટાચૂંટણીના સહારે સત્તા મેળવનારા અને ખુરશી ટકાવનાર મુખ્યમંત્રી માટે જરાય સારા સંકેત આપનારા નથી. તેમનો પોતાનો અને તેમના પક્ષનો જનધાર ગ્રોઉન્ડલેવલ પર ઘટી રહ્યો હોવાનો પુરાવો આપનાર પણ છે. આ ઉપરાંત યેદી સરકારની કાર્યશૈલી સામેના વિરોધનો પડઘો પણ છે તેવું બેંગલુરુના તટસ્થ નિરીક્ષકો પણ કહે છે.
એક વિશ્લેષકે તો ત્યાં સુધી જણાવ્યું કે પક્ષની આંતરિક જૂથબંધી પણ અમા ભૂમિકા ભજવી ગઈ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. એક નિષ્ણાતે તો એમ પણ કહ્યું કે દરેક ચૂંટણી મોદી મેજીક કે મોદીના નામે જીતાતી નથી આ માટે લોકોને ગમે તેવું કામ પણ કરવું પડે છે. બાકી આજ પ્રકારની કાર્યશૈલી ચાલુ રહી તો કૉંગ્રેસના ગુજરાત અને અન્ય સ્થળે જે હાલ થયા તેવી સ્થિતિ કર્ણાટકમાં ભાજપની પણ થઈ શકે છે.
