હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને તેમના સાથી કેબિનેટ પ્રધાનોએ મંગળવારે રાજ્યના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને તેમના રાજીનામા સુપરત કર્યા. લોકસભા ચૂંટણી પહેલા સીટની વહેંચણીને લઈને રાજ્યમાં સત્તારૂઢ ભાજપ અને જેજેપી ગઠબંધન વચ્ચે અણબનાવની અટકળો વચ્ચે આ ઘટના પ્રકાશમાં આવી છે. ખટ્ટરના રાજીનામા બાદ યોજાયેલી વિધાનસભ્ય દળની બેઠકમાં હરિયાણાના આગામી સીએમ તરીકે નાયબ સિંહ સૈનીના નામને મંજૂરી આપવામાં આવી હતી. આવો જાણીએ હરિયાણાના નવા મુખ્યમંત્રી નયાબ સિંહ સૈની વિશે કેટલીક ખાસ વાતો.
સાંસદ અને હરિયાણા ભાજપના અધ્યક્ષ છે સૈની
નાયબ સિંહ સૈની ભાજપના હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ OBC સમુદાયમાંથી આવતા ભાજપના અગ્રણી નેતા છે. વર્ષ 1996માં સૈનીને રાજ્યમાં ભાજપ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી, 2002 માં, તેમને BJYM ના જિલ્લા મહાસચિવ બનાવવામાં આવ્યા. 2012માં સૈનીને અંબાલા બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પછી સૈનીનું પ્રમોશન થતું રહ્યું અને 2014માં તેઓ નારાયણગઢથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા. વર્ષ 2016માં સૈનીને ખટ્ટર સરકારમાં રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.
નાયબ સૈની ખટ્ટરની નજીક હોવાનું કહેવાય રહ્યું છે
હરિયાણાના સીએમ પદની રેસમાં આગળ ચાલી રહેલા નાયબ સિંહ સૈનીને મનોહર લાલ ખટ્ટરના નજીકના માનવામાં આવે છે. વર્ષ 2019માં ભાજપે તેમને કુરુક્ષેત્ર લોકસભા સીટ પરથી ઉતાર્યા અને તેઓ સંસદમાં પહોંચ્યા. તેઓ શ્રમ અંગેની સંસદની સ્થાયી સમિતિના સભ્ય પણ છે. સૈનીને 2023માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. મોટાભાગના કાર્યક્રમોમાં ખટ્ટર સાથે જોવા મળી છે.
નવા સીએમ આજે જ શપથ લેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર નાયબ સિંહ સૈની મંગળવારે એટલે કે આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે એક ડેપ્યુટી સીએમ અને કેટલાક અન્ય મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલ ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટ્યું છે. મતલબ કે લોકસભાની ચૂંટણીમાં હવે નવા સમીકરણો જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ