@કૌશિક છાયા, કચ્છ
- કચ્છમાં પોલીસ જુદા જુદા સ્થળે સધન ચેકીંગ કરશે,ભીડ એકત્ર ન કરવા તાકીદ
થર્ટી ફર્સ્ટને લઈને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચૂસ્ત પણે કડક કાર્યવાહી કરીને કોરોના ગાઈડલાઈનનું અમલીકરણ કરાવવામાં આવશે સાથે ચેકિંગ સઘન બનાવાશે.
પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ગૃહમંત્રાલય દ્વારા કોવિડ ગાઈડલાઈન જારી કરાઈ છે. આ ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી પોલીસતંત્રની છે. ત્યારે ખાસ કરીને થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના અતિરેકમાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે પોલીસ સક્રિય બની છે. ૩૧મી ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં છે, જેમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.
વાહન ચેકિંગ, હોટલ અને ફાર્મહાઉસની ચેકિંગ કરવામાં આવશે અને ગેરકાયદેસર રીતે કરાતી કોઈ પણ પ્રવૃત્તિ સાંખી લેવામાં નહીં આવે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા બ્રેથએનેલાઈઝરનો ઉપયોગ કરીને પીધેલી હાલતમાં ફરતા લોકોને પકડી પાડવામાં આવશે. આ ઉપરાંત લિસ્ટેડ બૂટલેગર અને હાલ જે સક્રિય આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનાનું સંક્રમણ વધુ ન વકરે તે માટે પોલીસ દ્વારા થર્ટીફર્સ્ટની પાર્ટીઓ પર ખાસ વોચ રાખીને લોકોનો જમાવડો ન થાય તે માટે પુરતા પ્રયાસો કરાશે ભુજ શહેરની આસપાસના વિસ્તારોમાં અને ખાસ કરીને ૩૦ કિલોમીટરની એરિયામાં આવેલી હોટલો અને જયાં આવી પાર્ટીઓ થઈ શકે તેવા ફાર્મહાઉસની યાદી તૈયાર કરીને પોલીસ દ્વારા આવા સ્થળોની સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. અને કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ જણાશે તો એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહી કરાશે .
