Rajkot News : રાજ્યમાં ફરી એક વખત આક્ષેપ કરતો ભાજપના નેતાનો લેટર વાયરલ થયો છે. વાયરલ લેટરમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી પર આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો લેટર વાયરલ થયો છે, જેને લઈ ફરી એક વખત રાજકીય માહોલ ગરમાયો છે.
મળતી માહિતી મુજબ રાજકોટના જિલ્લા પ્રભારી ધવલ દવે પર લેટર લખીને આક્ષેપ કરવામા આવ્યા છે. લેટરમાં ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારી અને હોદ્દાનો દૂર ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લેટરમાં લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં 7 આંકડાનો વહીવટ કર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
વધુમાં, લેટરમાં જિલ્લા પ્રભારી ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયા પણ સાથ સહકાર આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રભારી ધવલ દવેના મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ શોભે નહીં તેવા સંબંધો કેળવવાનો આક્ષેપ કરાયો છે. ધવલ દવેએ ઘણા લોકોને મહામંત્રી બનાવવાની પણ લાલચ આપી હોવાનો પણ આક્ષેપ લેટરમાં કરવામાં આવ્યો છે. આ સાથે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેં રત્નાકર જીના કહેવાથી ભરત બોઘરાનું પણ રાજકરણ પતાવી દીધું છે. આ લેટર 25 વર્ષ જૂના કાર્યકર્તાઓનું વિશાળ જૂથના નામે વાયરલ થયો છે.
થોડા દિવસો પહેલાં જ અમરેલીમાં લેટરકાંડનો બનાવ સામે આવ્યો હતો અને આ લેટરકાંડને લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. અમરેલીમાં લેટર કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિના મેવાડાને SPએ સસ્પેન્ડ કર્યા હતા. રાજ્યમાં નકલી લેટરકાંડ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે.લેટરકાંડને લઈને અમેરલી બંધનું કોંગ્રેસ પક્ષ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાની લડતમાં જોડાયા હતા અને ચર્ચાનો ચોરો કાર્યક્રમ બાદ એક દિવસના ઉપવાસ પછી અમરેલી બંધનું એલાન આપ્યું હતું. પાયલ ગોટીને ન્યાય અપાવવા અમરેલીમાં લોકોને સ્વૈચ્છીક બંધ પાળવા માટે કોંગ્રેસે દ્વારા અપીલ કરવામાં આવી હતી. સમગ્ર તપાસ હાલ રાજ્યના જાંબાઝ IPS અધિકારી નિર્લિપ્ત રોયને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: દાળમાં કાળુ કે આખી દાળ કાળી? અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીની પોસ્ટથી ગરમાયું રાજકારણ
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડમાં સમગ્ર તપાસ SMC કરશે, નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ મુદ્દે પરશોત્તમ રૂપાલાએ કોને જવાબદાર ઠેરવ્યા…
