Uttar Pradesh News: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આઇફોન માટે બે માણસોએ ડિલિવરી બોયની હત્યા કરી. લખનૌના ચિન્હાટ વિસ્તારના રહેવાસી ગજાનને ફ્લિપકાર્ટ પરથી લગભગ 1.5 લાખ રૂપિયાનો આઈફોન ઓર્ડર કર્યો હતો. આ ચૂકવવા માટે તેણે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો હતો.
આ ઘટના 23 સપ્ટેમ્બરે બની હતી. 23 સપ્ટેમ્બરના રોજ ડિલિવરી બોય આઇફોન ડિલિવરી કરવા ગજાનનના ઘરે પહોંચ્યો હતો . આ પછી ગજાનન અને તેના સાથીઓએ ડિલિવરી બોય ભરત સાહુનું ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી તેઓએ લાશને ઈન્દિરા કેનાલમાં ફેંકી દીધી હતી.
પોલીસ કમિશનર શશાંક સિંઘે જણાવ્યું હતું કે, “ચિન્હાટના ગજાનને ફ્લિપકાર્ટ પરથી ફોન મંગાવ્યો હતો અને ડિલિવરી પર રોકડ ચૂકવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે ડિલિવરી બોય ભરત સાહુ ફોનની ડિલિવરી કરવા તેના ઘરે ગયો ત્યારે આરોપીએ તેની હત્યા કરી નાખી. આ પછી તેના મૃતદેહને બોરીમાં નાખીને ઈન્દિરા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
પોલીસ કોલ ડિટેઈલની મદદથી આરોપીના મિત્ર સુધી પહોંચી હતી
પોલીસે જણાવ્યું કે ભરત સાહુ બે દિવસથી ઘરે પહોંચ્યો ન હતો. આ પછી તેના પરિવારજનોએ ચિનહાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે ભરત સાહુની કોલ ડિટેઈલની તપાસ કરી અને તેનું લોકેશન શોધી કાઢ્યું. કોલ ડિટેઈલ પરથી ગજાનનનો નંબર મળ્યો અને ત્યાર બાદ પોલીસ તેના મિત્ર આકાશ સુધી પહોંચી.
પોલીસ પૂછપરછ દરમિયાન આકાશે ગુનો કબૂલી લીધો છે. હજુ સુધી ડિલિવરી બોયનો મૃતદેહ મળ્યો નથી. SDRFની ટીમ ઈન્દિરા કેનાલમાં મૃતદેહ શોધવાનો પ્રયાસ કરી રહી છે.