Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ 2,000 કરોડ રૂપિયાના GST કૌભાંડ કેસમાં પત્રકાર મહેશ લાંગા(Mahesh Langa)ની મોડી રાત્રે ધરપકડ કરી હતી. લાંગાની પૂછપરછમાં જાણવા મળ્યું કે ગુજરાત સરકારના 3 IAS અધિકારીઓ સહિત 15 અધિકારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પત્રકાર મહેશ પ્રભુદાન લાંગાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેને 28 ફેબ્રુઆરી સુધી ED કસ્ટડી મંજૂર કરીને રિમાન્ડ મંજૂર કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જે સરકારી અધિકારીઓના નામ સામે આવ્યા છે તેમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા નાણા વિભાગના અધિકારીઓ તેમજ GST વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. મહેશ લાંગાને સચિવાલય લઈ જનારા પત્રકારો અને વચેટિયાઓના નામ પણ સામે આવ્યા છે. શક્ય છે કે તેમને જૂજ દિવસમાં જવાબ આપવા માટે પણ બોલાવવામાં આવી શકે છે. આ કૌભાંડમાં ફૈઝલ શેખ, પરેશ ડોડિયા, હરેશ મકવાણા, ઇરફાન શેખ, જિગ્નેશ દેસાઈ સહિત 20ની ધરપકડ કરવામાં આવી હતી.
સમગ્ર GST કૌભાંડમાં સંડોવાયેલા પત્રકાર મહેશ લાંગાએ ધ્રુવ એન્ટરપ્રાઇઝ નામની કંપની ખોલી બોગસ બિલિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. તપાસમાં ખુલાસો થયો હતો કે, કુલ 200 જેટલી નકલી કંપનીઓ ખોલવામાં આવી હતી, જેમાંથી 50 તો ગુજરાતમાં નોંધાયેલી હતી, બાકીની કંપનીઓ દેશભરમાં ફેલાયેલી હતી અને લગભગ 200 બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આ કેસમાં, સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્ટેલિજન્સ દ્વારા સૌપ્રથમ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ પોલીસે પણ કેસ નોંધ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ઓમ કન્સ્ટ્રક્શન રાજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓમ હર્ષ કન્સ્ટ્રક્શન નામની કંપનીઓનો પણ સમાવેશ થાય છે. નકલી બિલ રજૂ કરીને ખોટી રીતે આઈટીસીનો દાવો કરવા બદલ સોલંકી એન્ટરપ્રાઇઝ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
ED દ્વારા મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. GST ફ્રોડ કેસમાં, 7 ઓક્ટોબરના રોજ મહેશ લાંગા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં તેમના ઘરેથી 20 લાખ રૂપિયા રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા.ભાવનગર, સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, અને 220 થી વધુ બોગસ કંપનીઓ બનાવવામાં આવી હોવાનું જણાયું હતું. ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની તેમની પત્ની, પિતરાઈ ભાઈ અને સુરક્ષા ગાર્ડના નામે બનાવવામાં આવી હતી.
