Surat News : સુરતમાં 118 રત્ન કલાકારોની હત્યાના પ્રયાસમાં પોલીસે અંતે આરોપીને ઝડપી લીધો છે. આ કેસમાં પોલીસે આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતી અને એ જ આરોપી નીકળ્યો છે.આરોપી નિકુંજના મામા અનભ જેમ્સમાં મેનેજર છે અને નિકુંજ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. નિકુંજે મિત્ર પાસેથી 8,00,000 ઉધાર લીધા હતા. જે ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. સવારે દુકાનમાંથી ઝેરી દવા સેલ્ફોસ ખરીદી હતી. ફિલ્ટર પાસે જઈને આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાંખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. જે બાદ લોકોની અવરજવરથી ભયભીત થઈ ગયો અને કોઈને ખબર ન પડે તે માટે સેલફોસનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું.
નિકુંજ લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યો હતો. જેથી તેણે ઉધારમાં આઠ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો. નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.સુરતમાં કાપોદ્રાની અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં 10 ગ્રામ વજનનું સેલ્ફોસનું પાઉચ ભેળવી સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરવાની હિચકારી ઘટનામાં પોલીસે મેનેજરની ફરિયાદને આધારે અંદરના જાણભેદુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પોણાનવથી સાડાનવ વાગ્યાના પોણા કલાક દરમિયાન 60 વ્યક્તિ ફિલ્ટર પાસે પાણી લેવા ગઈ હતી. તેમાંથી જ કોઇનું આ કૃત્ય હોવાની શંકા સાથે ફિલ્ટર તરફ જતા-આવતા કર્મચારીઓના અંદરની તરફ લગાવવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ થયેલા હાવભાવને આધારે જાણભેદુને અલગ તારવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
મેનેજરના ભાણિયા નિકુંજ નામના યુવકે સુપરવિઝન કરતાં મામા કાંતિભાઈને પીવાના પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતાં પેઢીના મેઇન મેનેજર હરેશભાઈએ પાણીનું ફિલ્ટર ચેક કરાવ્યું હતું. કૂલરની અંદરથી જે વસ્તુ મળી હતી એ જોતાં જ બધાની જાણે આંખો ફાટી ગઈ હતી. પાણીની અંદર સેલ્ફોસનું પાઉચ તરી રહ્યું હતું. ઉપરનું પ્લાસ્ટિક ફાટેલું હતું અને અંદર કાગળમાં પેક ગોળીઓ પાણીમાં ભળી ગયાની શંકા સાથે જ અફરાતફરી મચી ગઈ હતી.
કાપોદ્રા વિસ્તારમાં કાપોદ્રા ચાર રસ્તા પાસે હરિનંદન સોસાયટીમાં આવેલા મિલેનિયમ કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલી જીવરાજભાઈ શામજીભાઈ ગાબાણીની અનભ જેમ્સમાં બુધવારે (9 એપ્રિલ, 2025) સવારે આઠ વાગ્યે રાબેતા મુજબ 120થી વધુ કર્મચારીઓ નોકરીએ આવ્યા હતા. સવાનવ વાગ્યે નિકુંજ નામના યુવક મેનેજર હરેશ પરશુભાઈ લશ્કરી પાસે આવ્યો હતો અને તેણે ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. સુપર વાઇઝર કાંતિભાઈ પાસે આ ફિલ્ટર ચેક કરાવતાં અંદર અનાજમાં કીડા ન પડે એ માટે મૂકવામાં આવતું અને અત્યંત ઝેરી ગણાતું સેલ્ફોસનું 10 ગ્રામનું પાઉચ તરી રહ્યું હતું.
જાનહાનિ થઈ શકે એ માટે ઇરાદાપૂર્વક ઉપરનું પ્લાસ્ટિક ફાડી નાખ્યું હતું, જેને કારણે અંદર કાગળમાં પેક ઝેરી વસ્તુ પાણીમાં ભળી ઝેરી અસર કરી રહી હોવાનું જાણીને કારખાનામાં અફરાતફરી મચી ગઈ હતી. 118 વ્યક્તિને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 111 વ્યક્તિને રજા આપી દેવાઈ છે.ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 રત્નકલાકારની સ્થિત બગડતાં 104ને કિરણ હોસ્પિટલ અને ડાયમંડ હોસ્પિટલમાં, 14 દર્દીને ખસેડ્યા હતા, જેમાંથી ગુરુવારે બંને હોસ્પિટલમાંથી કુલ 111 જેટલા રત્નકલાકરોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 7 રત્નકલાકાર બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કિરણ હોસ્પિટલના ICUમાં રવિ પ્રજાપતિ, જયદીપ બારૈયા તથા કનુ વાલા સારવાર હેઠળ છે, જ્યારે પ્રકાશ ટાંક, મહેશ પ્રજાપતિ અને વેલજી જાદવ જનરલ વોર્ડમાં દાખલ છે. ડાયમંડ હોસ્પિટલમાં અનભ ડાયમંડના મેનેજર હરેશ લશ્કરીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના રિપોર્ટ આવ્યા બાદ તબીબોને શંકા જતાં હરેશને હાલ દેખરેખ હેઠળ રાખ્યો છે.સેલ્ફોસની 10 ગ્રામની પડીકી ઘાતક હોઈ, એને ડબલ પેક કરવામાં આવે છે. પહેલા કોટનના કાગળમાં એને પેક કર્યા બાદ ઉપરથી એરટાઇટ પ્લાસ્કિટના પાઉચમાં પેક કરાય છે. પ્લાસ્ટિકનું પાઉચ તો ઉપરથી કાપી નાખવામાં આવ્યું હતું, પરંતુ કોટનનો કાગળ ફાડયા વિના પાણીમાં નાખવામાં આવ્યો હતો.
આ કોટન પૂરેપૂરું ભીનું થયા બાદ એમાનું કેમિકલ પાણીમાં ઓગળે છે. સદભાગ્યે કોટનને કારણે એને પાણીમાં મિક્સ થતાં વાર લાગતાં વધુ ઘાતક અસર થઇ ન હતી. કોટનનો કાગળની એક ખૂણો જ થોડો પાણીમાં પલળ્યો હતો, જેથી વધુ અસર થઈ ન હતી.પોલીસે સેલ્ફોસના પાઉચ આવ્યાં તેના બેચ ટ્રેકની તપાસ કરી હતી. ફિલ્ટરમાંથી જે સેલ્ફોસનું પાઉચ મળ્યું હતું એ બેચના 24 હજાર પાઉચનો જથ્થો 21મી માર્ચે સુરત આવ્યો હતો, જેમાંથી 9000 પાઉચ કાપોદ્રા-વરાછા વિસ્તારની દુકાનોમાં ડિસ્ટ્રિબ્યુટ થયા હતા.
આ જથ્થો કઇ કઇ દુકાનોમાં ગયો હતો અને આ પૈકીની કોઇ દુકાનમાં આ કારખાના સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે તેમના પરિચિતે ખરીધો હતો? એની પણ તપાસ હાથ ધરી હતી.પોલીસે અત્યારસુધી કારખાનેદાર સહિત કારખાના સાથે સંકળાયેલી 60થી વધુ વ્યક્તિઓનાં નિવેદન લીધાં હતાં, જેમાં પોલીસે અલગ અલગ સવાલ કર્યા હતા, જેમ કે કોઇને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હોય. કોઇને મેનેજર કે સુપર વાઇઝર સાથે કોઇ વાતે ઝઘડો થયો હોય કે કામને લઇ કોઇને ઠપકો મળ્યો હોય. નજીકના દિવસોમાં કોઇ વ્યક્તિને કોઇ વાંધો પડ્યો હતો કે કેમ એવા સવાલો કેન્દ્રમાં રહ્યા હતા.
આ પણ વાંચો:ATM કાર્ડ વિના રોકડ ઉપાડો: SBI ડેબિટ કાર્ડ બંધ! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડો
આ પણ વાંચો:હવેથી PF ના 50 % પૈસા ATM માંથી ઉપડી શકશે, જાણો કેટલા પગાર પર ઉપાડી શકશો કેટલી રકમ ?
આ પણ વાંચો:ATMથી પૈસા ઉપાડવા ઠગોએ અપનાવ્યો નવો રસ્તો, જાણીને હેરાન થઈ જશો
