Business News/ UPI પર લાગી શકે છે ચાર્જ! 6 વર્ષ પછી MDRની વાપસીની તૈયારી, સરકાર લાવશે નવું બિલ

UPI અને ડિજિટલ પેમેન્ટને લઈ નવા જૂનીના એંધાણ. 6 વર્ષ બાદ MDRની વાપસી થઈ શકે છે. કેન્દ્ર સરકાર નવું બિલ લાવી રહી છે, જેનાથી પેમેન્ટ સિસ્ટમના નિયમોમાં ફેરફાર થવાની શક્યતા.

Breaking News Business
MDR

Business News: દેશમાં 6 વર્ષ બાદ MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફરી લાગુ થઈ શકે છે. ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે. હવે UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકાર પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007માં સુધારો કરવા માટે નવું બિલ સંસદમાં રજૂ કરવા જઈ રહી છે.  જોકે, સામાન્ય ગ્રાહકો પર સીધો ચાર્જ લાગશે કે નહીં, તે અંગેનો અંતિમ નિર્ણય સરકારની સૂચના બાદ જ સ્પષ્ટ થશે.

6 વર્ષ બાદ MDR ની વાપસી? સરકાર લાવશે નવું બિલ

કેન્દ્ર સરકાર ‘ધ ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ’ દ્વારા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007માં ફેરફાર કરવાની તૈયારીમાં છે. વર્ષ 2020માં ડિજિટલ પેમેન્ટ (Digital Payment)ને પ્રોત્સાહન આપવા માટે UPI, RuPay અને ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર દૂર કરવામાં આવ્યો હતો. હવે નવા બિલ દ્વારા સરકાર ( Finance Ministry)ને નક્કી કરવાની સત્તા મળશે કે કયા ડિજિટલ પેમેન્ટ પર MDR લાગુ કરવો અને કયા વ્યવહારોને ચાર્જમાંથી મુક્ત રાખવા.

એમડીઆર શું છે અને કોના પર લાગશે અસર?

એમડીઆર (Merchant Discount Rate) એ એવો ચાર્જ છે, જે ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ પાસેથી બેંક અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વસૂલે છે. હાલની માહિતી અનુસાર, આ સુધારામાં સામાન્ય ગ્રાહકો પાસેથી UPI પેમેન્ટ માટે સીધો ચાર્જ વસૂલવાની કોઈ જોગવાઈ દર્શાવવામાં આવી નથી. જો એમડીઆર ફરી લાગુ થશે તો તેનો મુખ્ય બોજ વેપારીઓ પર આવી શકે છે.

સરકારે આ ફેરફાર કેમ જરૂરી ગણાવ્યો?

છેલ્લા કેટલાક વર્ષોમાં UPI સહિત ડિજિટલ પેમેન્ટમાં ભારે વધારો થયો છે. પરિણામે સમગ્ર પેમેન્ટ ઇકોસિસ્ટમ જાળવવા માટે બેંકો, ફિનટેક કંપનીઓ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને મોટા પ્રમાણમાં રોકાણ કરવું પડે છે. સરકારનું માનવું છે કે લાંબા ગાળે સંપૂર્ણ શૂન્ય-એમડીઆર મોડેલ આર્થિક રીતે ટકાઉ નથી. તેથી નવા નિયમો દ્વારા સિસ્ટમને વધુ લવચીક અને વ્યવહારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બિલ પસાર થયા પછી શું બદલાશે?

જો સંસદમાં આ બિલ પસાર થઈ કાયદો બનશે, તો સરકાર માત્ર એક સત્તાવાર સૂચના બહાર પાડી નક્કી કરી શકશે કે કયા ડિજિટલ પેમેન્ટ મફત રહેશે અને કયા પર MDR લાગુ થશે. આથી ભવિષ્યમાં દરેક ફેરફાર માટે કાયદામાં અલગથી સુધારો કરવાની જરૂર નહીં પડે. જોકે, સામાન્ય લોકો માટે UPI સંપૂર્ણપણે મફત રહેશે કે નહીં અને વેપારીઓ પર કેટલોએમડીઆર લાગશે, તે સરકારની આગામી સૂચના બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:UPI યુઝર્સ માટે મોટા સમાચાર: ₹2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગી શકે છે ચાર્જ; મોટા વેપારીઓ માટે સરકાર ઘડી રહી છે નવો એક્શન પ્લાન

આ પણ વાંચો:શું તમારે UPI ચુકવણી નિષ્ફળ ગઈ અને પૈસા પણ કપાઈ ગયા? જાણો રિફંડ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો:ઓનલાઈન ફ્રોડ રોકવા RBI નવા નિયમો, UPI ચુકવણીઓમાં હવે 10,000થી વધુની રકમ પર 1 કલાક પેમેન્ટ ડિલે