ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મિશ્ર રહ્યો. બજારમાં સવારે સારી શરૂઆત જોવા મળી જ્યારે બજાર બંધ થવાનો સમયે ઘટાડો સાથે બંધ થતા રોકાણકારો થોડા નિરાશ થયા. ટ્રેડિંગના છેલ્લા કલાકમાં પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરેથી બજારમાં પરત ફર્યું હતું. અને બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 31 પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે 71,386 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 32 પોઈન્ટના ઉછાળા સાથે 21,544 પોઈન્ટ પર બંધ થયો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ 680 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી લગભગ 200 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
આજે ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો. જ્યારે બેન્કિંગ, મીડિયા, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરો વધ્યા અને 23 નુકસાન સાથે બંધ થયા.
બજાર દિવસના ઊંચા સ્તરેથી સરકી જવા છતાં રોકાણકારોએ નફો કર્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડ વધીને રૂ. 367.51 લાખ કરોડે પહોંચ્યું છે. જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 366.51 લાખ કરોડ હતું. આજના વેપારમાં માર્કેટ મૂડીમાં રૂ. 1 લાખ કરોડનો વધારો થયો છે.
આજના કારોબારમાં લાર્સન 1.55 ટકા, ભારતી એરટેલ 1.50 ટકા, ટાટા મોટર્સ 1.32 ટકા, સન ફાર્મા 1.25 ટકા, ટાટા સ્ટીલ 1.21 ટકા, એનટીપીસી 1.11 ટકા, ટેક મહિન્દ્રા 0.97 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે નેસ્લે 1.03 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.90 ટકા, બજાજ ફિનસર્વ 0.88 ટકા, HDFC બેન્ક 0.80 ટકા, એક્સિસ બેન્ક 0.57 ટકા, ટાઇટન 0.37 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
